નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, ‘મા વાત્સલ્ય’ અને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળના તમામ લાભાર્થીઓને રૂપિયા 5 લાખની સારવાર વિનામૂલ્યે આપવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે કોઇ નાગરિક રહી ન જાય અને દરેક વ્યક્તિ પાસે આ યોજનાના કાર્ડ હોય એ માટે સૌએ સહીયારા પ્રયાસો કરવા પડશે. કોઈ જાતની નિષ્કાળજી કે બેદરકારી સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે તેની કાળજી રાખવી પડશે.
'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' હેઠળ રાજ્યના અંદાજીત 80 લાખ કુટુંબો કે, 4 કરોડ વ્યક્તિઓને આવરી લેવાયા છે. જે પૈકી 73.89 લાખ કુટુંબો એટલે કે, 3.70 કરોડ વ્યક્તિઓની નોંધણી પણ થઇ ગઇ છે. રાજ્યમાં આ માટે 2637 હોસ્પિટલો સાંકળી લેવાઇ છે અને અત્યાર સુધીમાં હ્રદય, કીડની, કેન્સર સહિત વિવિધ રોગોના 8.45 લાખ લાભાર્થીઓએ કુલ 1373.6 કરોડના દાવા સાથે દેશમાં ગુજરાત મોખરે છે.
રાજ્યના લોકોને આરોગ્યને ધ્યાનમાં લઈને ઓફિસ સમય દરમિયાન એક સેમિનારનું આયોજન કરવા માટે પણ આદેશ કર્યો હતો. રાજ્યના નાગરિકોને 12 થી વધુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આગામી બે વર્ષમાં 11,017 હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રો વિકસાવવામાં આવશે. આયુષ્માન ભારત હેઠળ દેશભરમાં 150,000 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો શરૂ કરવામાં આવશે. જેમાં સગર્ભા અને બાળરોગ સેવાઓ, બાળકોનું રસીકરણ, આંખ, કાન, નાક, ગળા, દાંતના રોગ સારવાર, વૃદ્ધો માટે સારવાર, માનસિક રોગ સારવાર, યોગ, આયુર્વેદ સારવાર અપાશે. આ માટે 779 કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની નિમણૂક કરી આ કાર્યમાં જોડવામાં આવશે.
ટૅકનોલોજીના મહત્તમ ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી સારવાર મળી રહે તે માટે ‘માયટેકો’ મોબાઇલ એપ પણ કાર્યરત કરાઇ છે. જેના દ્વારા સમયસર સેવાઓ પૂરી પડાશે. નાગરિકોને સ્વાસ્થ્ય પરત્વે સજાગ રાખશે અને સ્વસ્થ જીવન માટે જન આંદોલનમાં પરિવર્તિત કરશે. ગુજરાતભરમાં ડીસેમ્બર 2022 સુધીમાં 11017 હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રો કાર્યાન્વિત કરવાનું આયોજન છે. જે અંતર્ગત વર્ષ 2018-19માં 1656 કેન્દ્રો કાર્યાન્વિત કરી દેવાયા છે અને વર્ષ 2019મા 3424 કેન્દ્રો કાર્યાન્વિત કરવાનું આયોજન કરાયું છે.
ગાંધીનગર મેડીકલ કોલેજના ઓડીટોરીયમમાં યોજાયેલા આ કાર્યક્રમમા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનાં લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મીઓનું સન્માન કરી કોમ્યુનીટી હેલ્થ ઓફીસરોને નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં. સપ્તધારા કાર્યક્રમમાં તાલીમ આપનારા તજજ્ઞોનું બહુમાન કરી ક્લીન એન્ડ ગ્રીન ઇનીશીએટીવ ટીમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના વિવિધ થિએટરોનું ઇ-તક્તીથી લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત 104 હેલ્થ હેલ્પલાઇન અને તે અંતર્ગત ‘સ્યુસાઇડ પ્રિવેન્શન’ ની હેલ્પલાઇનનું લોકાર્પણ, લોગોનું અનાવરણ અને ‘સ્યુસાઇડ પ્રિવેન્શન’ હેલ્પ લાઇન પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 324 નવી 108 એમ્બ્યુલન્સ અને ૧૭૪ ખિલખિલાટ વાનનું લોકાર્પણ પણ કરાયું હતું.
રાજ્યમાં ‘ટેકો’ મોબાઇલ એપના સફળ અમલીકરણ જન હિતાર્થે નવી મોબાઇલ એપ ‘માય ટેકો’ નું લોન્ચીંગ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલી આ ‘MY TeCHO’ એપથી રાજ્યના આરોગ્ય કાર્યકરોને સુસજ્જ કરી ગુજરાત સરકારે લાભાર્થીઓને સમયસર સેવાઓ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. નાગરિકોને તેમના સ્વાસ્થ્ય પરત્વે સજાગ રાખશે અને સ્વસ્થ જીવન માટે સંપૂર્ણ માહિતી પુરી પાડશે.