- ભાજપના ધારાસભ્યોની બેઠક પછી થશે ફેરફાર
- વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઘડાશે
- પ્રદીપસિંહ જાડેજાને કેબિનટપ્રધાન બનાવાશે
અમદાવાદ : ભાજપના ધારાસભ્યોની બેઠક અને ત્યાર પછી રૂપાણી કેબિનેટમાં ધરખમ ફેરફારો આવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ વિધાનસભા અધ્યક્ષથી માંડીને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોમાં ફેરફાર થવાની સંભાવના છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યકક્ષાના પ્રધાન બનાવે તેવી ચર્ચા છે. તેમજ શિક્ષણપ્રધાન અને સીનીયર નેતા તરીકે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને વિધાનસભાના અધ્યક્ષ બનાવે તેવી ગણતરી મૂકાઈ રહી છે.
અસંતોષ દૂર કરવા કેબિનેટમાં ફેરફાર કરવા જરૂરી
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં ચૂંટણી આવી રહી છે. તે અગાઉ ભાજપના જ ધારાસભ્યોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. જે અસંતોષ દૂર કરવા માટે રૂપાણી કેબિનેટમાં વિસ્તરણ કરશે અને બોર્ડ નિગમોમાં નિમણૂક આપશે. સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન ઈશ્વર પરમાર કપાશે અને તેમના સ્થાને ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમારને સ્થાન અપાશે.
આ પણ વાંચો : આજે સાંજે 5 કલાકે મળશે ભાજપ ધારાસભ્યોની બેઠક, ગુજરાત પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ પણ રહેશે હાજર
પ્રદીપસિંહ જાડેજાને પ્રમોશન
પ્રદીપસિંહ જાડેજાને કેબિનટમાં લઈ જવાય તેવી શકયતા છે. પ્રદીપસિંહ જાડેજાની ગૃહ વિભાગની કામગીરી વખાણાઈ છે. જેથી તેમને કેબિનટ પ્રધાન બનાવીને પ્રમોશન મળે તેવી ચર્ચા છે.
કોણ કપાશે ?
બીજી તરફ સામાજિક ન્યાય અને અધિકારિતાપ્રધાન ઈશ્વર પરમાર કપાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યકક્ષાના પ્રધાન કુમાર કાનાણી કપાશે. તેમજ મહિલા બાળ કલ્યાણ અને શિક્ષણ રાજ્યકક્ષાના પ્રધાન વિભાવરી દવે કપાય તેવી પણ શક્યતાઓ છે.
આ પણ વાંચો : વડા પ્રધાને કેન્દ્રીય પ્રધાનો, ભાજપના વડા સાથે બેઠક કરી
કોને મળશે પ્રધાનપદ ?
ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર અને સુરત પશ્રિમના ધારાસભ્ય પૂર્ણેસ મોદીને પ્રધાનમંડળમાં સ્થાન અપાય તેવી શકયતાઓ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના જૂથના સુરત હર્ષ સંઘવીને કેબિનેટમાં સ્થાન મળે તેવી ચર્ચા છે. પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. જોકે કેબિનટમાં ફેરફાર કરતાં પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો સેન્સ લેવાશે, ત્યારબાદ જ ગુજરાતમાં નવા ફેરફારો કરાશે.