- ઝુંપડા, કાચા- પાકા મકાનોના નુકસાનીનો સર્વે પૂર્ણ
- સૌથી વધુ દહેગામ તાલુકાના ગામડાઓને નુકસાન
- SDRFના નિયમો આધારે રકમ ચૂકવાશે
ગાંધીનગર : શહેરમાં વાવાઝોડા તેમજ કમોસમી વરસાદના કારણે ઘરોમાં થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયો હતો. કાચા મકાનો, પાકા મકાનો તેમજ ઝુંપડાને નુકસાન પહોંચ્યું હતું. તેનો સર્વે પૂર્ણ થયો છે. જેમાં જિલ્લામાં 89 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનીના અંદાજે 23 લાખ રૂપિયા SDRF (State Disaster Response Fund)ના નિયમોને આધારે ચૂકવવામાં આવશે. તાલુકા પ્રમાણે જોવા જઈએ તો સૌથી વધારે નુકસાન દહેગામ તાલુકાના ગામોને થયું છે. જિલ્લામાં કાચા મકાનો, પાકા મકાનો, છાપરા, નળિયા ઉડી ગયા હોય, દિવાલ ધરાશાયી થઈ હોય કે પછી મકાનો ધરાશાયી થયા છે તેવા ઘરોને નુકસાનીમાં સમાવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Tauktae Cyclone- સુરત જિલ્લાના 757ગામોમાં 33 ટકા લેખે 5,826 હેક્ટરમાં પાકને થયું નુક્સાન
70 કાચા મકાનો, 12 પાકા મકાનો અને 4 ઝુંપડાને નુકસાન થયું તેમજ 2 ઘરો ધરાશાયી થયા
ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય લેવલે તેમજ તાલુકા લેવલે અલગ- અલગ નુકસાનનું થયું છે. ચાર ઝુંપડાઓ, કાચા મકાનોની 70 તેમજ 12 પાકા મકાનોનો સમાવેશ થાય છે. જેમાં 4 ઝુંપડાને ફાળવાયેલી રકમ 40,000, 70 કાચા મકાનોને 17.50 લાખ, તમામ પાકા મકાનોને 3 લાખ સુધીની રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત બે મકાનો સંપૂર્ણ ધરાશાયી થઈ ગયા હતા. એક ઘરદીઠ 95100 રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. આવા બે મકાનોને 1,90,200 રૂપિયા રકમ ફાળવવામાં આવી છે. નુકસાનીનો સર્વે તાલુકા પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં કરાયો હતો. જેમાં 89 જેટલા મકાનોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : કમોસમી વરસાદથી ભુજમાં કેરીના પાકને નુક્સાન
દહેગામમાં સૌથી વધુ 64 મકાનોને, માણસામાં 13 ઘરોને નુકસાન થયું
જિલ્લામાં તાલુકા પ્રમાણે જો વાત કરવા જઈએ, તો દહેગામ તાલુકામાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાના કારણે પવન ફૂંકાવાથી 64 ઘરોને અને નુકસાન થયું છે. ગાંધીનગર તાલુકામાં 7 ઘરોને તેમજ કલોલમાં 3 ઘરો અને માણસામાં 13 ઘરોને નુકસાન થયું છે. જેમાં ઝૂંપડામાં રહેતા લોકો, પાકા મકાન તેમજ કાચા મકાનમાં રહેતા લોકોનો સમાવેશ થાય છે. આ રકમ SDRFના નિયમો તેમજ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલી કુલ રકમના આધારે 23 લાખ જેટલી ફાળવવામાં આવી છે.