- ગાંધીનગર સિવિલ હોસ્પિટલે શરૂ કરી કોરોનાની ત્રીજી લહેરની તૈયારી
- સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવશે
- 500 ML પ્રતિ મિનીટ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા
ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલમાં એક ઓક્સિજન પ્લાન્ટ તો અત્યારે ઉપલબ્ધ છે, પરંતુ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખી તેની તૈયારીના ભાગરૂપે હોસ્પિટલમાં હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા સાથેનો ગેસ પ્લાન્ટ નાખવામાં આવશે. 500 ML પ્રતિ મિનીટ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા આ પ્લાન્ટ ધરાવે છે, જેની સાધનસામગ્રી અત્યારે સિવિલમાં લાવવામાં આવી છે. પ્લાન્ટ સિવિલના પાછળના ભાગે ઈન્સ્ટોલ કરવામાં આવશે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત જે સર્જાઈ હતી તેવી સ્થિતિ ત્રીજી લહેરમાં ન સર્જાય તે માટે અત્યારથી જ કામ શરુ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો- કોરોનાની ત્રીજી લહેર ઘાતક ન બને તે માટે વહીવટી તંત્ર બન્યું સજ્જ
પ્લાન્ટ રેડી ટૂ ઈન્સ્ટોલ હોવાથી સિવિલમાં જરૂર પડે ત્યારે તરત જ આ પ્લાન્ટ એક્ટિવ કરી શકાશે
રાજ્યમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા હોવાથી અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓછા દર્દી દાખલ છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર, કોરોનાની સંભવિત ત્રીજી લહેર પણ આવશે, જેમાં કોરોનાના દર્દીને ઓક્સિજનની પણ પૂરતી માત્રામાં જરૂર પડશે તેવી શક્યતા છે. આથી સિવિલ હોસ્પિટલમાં અત્યારે આ પ્લાન્ટ માટે સાધનસામગ્રી લાવીને મૂકવામાં આવી છે. રેડી ટૂ ઈન્સ્ટોલ પ્લાન્ટ હોવાથી સિવિલમાં જરૂર પડે ત્યારે તરત જ આ પ્લાન્ટ એક્ટિવ કરી શકાશે. આગામી સમયમાં જલ્દી જ આ પ્લાન્ટ સક્રિય કરી દેવામાં આવશે. કોરોનાના કેસ વધતા આનો ઉપયોગ કરવામાં આવશે. જોકે, અત્યારે એક પ્લાન્ટ એક્ટિવ હોવાથી જરૂર નથી, પરંતુ કેસો વધતા ઓક્સિજનની અછત જરૂરથી અનુભવાતી હોય છે.
આ પણ વાંચો- રાજકોટ સિવિલમાં રશિયન કંપની નાખશે ઓક્સિજન પ્લાન્ટ
મહાત્મા મંદિર સિવિલ હોસ્પિટલ અને કોલવડામાં ઓક્સિજન પ્લાન્ટ અવેલેબલ છે
ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે સિવિલ હોસ્પિટલમાં આ પહેલાં એક પ્લાન્ટ હતો. જ્યારે બીજો પ્લાન્ટ કોલવડામાં નાખવામાં આવ્યો છે. આનો ઉપયોગ બીજી લહેરમાં કરવામાં આવ્યો હતો. ત્યારે મહાત્મા મંદિર ખાતે પણ કોવિડ હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી હતી. આ હોસ્પિટલમાં પણ 56 ટનની કેપેસિટી સાથેનો પ્લાન્ટ અવેલેબલ છે. જ્યાં 1,200 લોકોને ઓક્સિજન આપી શકાય તે પ્રકારની ક્ષમતા છે. જોકે, ત્યાં અન્ય એક ઓક્સિજન પ્લાન્ટ પણ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરતા આ પ્લાન્ટને આગામી સમયમાં જલ્દી જ ઈન્સ્ટોલ કરવામાં આવશે.