- મનરેગા અંતર્ગત ચાલી રહેલું કૌભાંડ વિધાનસભામાં રજૂ કરાયું
- મૃતકો અને સગીરોને લાભાર્થી તરીકે દર્શાવીને લાભ મેળવવામાં આવ્યો
- કૃષિ, ગ્રામ્ય વિકાસ અને પરિવહન પ્રધાન આર.સી.ફળદુએ કૌભાંડ હોવાનું સ્વીકાર્યું
ગાંધીનગર: મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ, 2005(મનરેગા)માં ગુજરાતમાં ચાલી રહેલુ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક એવા વ્યક્તિને જોબકાર્ડ ઇશ્યૂ કરીને વેતન મેળવવામાં આવી રહ્યુ હતુ, જેનું 4 વર્ષ પહેલા મોત નિપજી ચૂક્યું છે. સ્થાનિક ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ આ કૌભાંડ ગુજરાત વિધાનસભા સમક્ષ રજૂ કર્યું છે અને ગુજરાતના કૃષિ પ્રધાને તેને સ્વીકાર્યુ પણ છે. રાજ્યમાં મનરેગા યોજના અંતર્ગત ચૂકવણી સંબંધિત કૌભાંડો સતત સામે આવી રહ્યા છે. મંગળવારે બજેટ સત્રના પ્રશ્નાકાળ દરમિયાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ તેમના મત ક્ષેત્ર છોટા ઉદેપુરમાં મનરેગા યોજનામાં અનેક ગેરરીતિઓ થતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો: વાવના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં ગેરરીતિ આચરાઈ હોવાની રાવ
સગીરો તેમજ સરકારી કર્મચારીઓને પણ લાભાર્થી બનાવી દેવાયા છે
મોહનસિંહ રાઠવાએ કહ્યું કે, મનરેગાના રેકોર્ડ્સમાં એવા ઘણા લોકોને ચૂકવણી કરી હોવાનો ઉલ્લેખ છે, જે સગીર અથવા તો સરકારી નોકરી કરે છે. આ સિવાય તેમણે ગૃહમાં એક ચોંકાવનારા કિસ્સાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, "બોડેલીમાં, 4 વર્ષ પહેલાં મૃત્યુ પામેલા વ્યક્તિને ચૂકવણી કરવામાં આવી છે. બીજા કિસ્સામાં પ્રાથમિક શાળાના શિક્ષક માલસીંગ રાઠવાને આ યોજના હેઠળ 1120 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, "આ યોજનામાં એટલી હદ સુધી કૌભાંડ કરવામાં આવ્યું છે કે, 13 અને 15 વર્ષના બાળકોને પણ લાભાર્થી તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેમના ખાતામાં રૂપિયા 1120 જમા કરવામાં આવ્યા છે."
આ પણ વાંચો: અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ મામલો, પોલીસે 2 લોકોની કરી અટકાયત
કેટલાક કર્મચારીઓને બરતરફ પણ કરાયા છે
આ મુદ્દાના જવાબમાં કૃષિ, ગ્રામીણ વિકાસ અને પરિવહન પ્રધાન આર.સી. ફળદુએ આક્ષેપો અને અનિયમિતતાઓનો સ્વીકાર કરતાં કહ્યું કે,"અમને ચૂકવણીમાં કેટલીક ગેરરીતિઓ પણ મળી છે અને કેટલાક કર્મચારીઓને પણ બરતરફ કરવામાં આવ્યા છે."