- જિલ્લા કલેક્ટરના આદેશથી મૂકાવવામાં આવી ઇલેક્ટ્રીક વુડન ભઠ્ઠી
- 10 ભઠ્ઠીઓ અત્યારે સ્ટેન્ડબાય રાખવામાં આવી
- એક જ કલાકમાં મૃતદેહનો અગ્નિસંસ્કાર થઈ શકે છે
ગાંધીનગર: શહેરનું સૌથી મોટું સ્મશાન મુક્તિધામ સ્મશાન છે. જેમાં કોરોનાની બીજી લહેરમાં દિવસના 50 થી 70 જેટલા મૃતદેહ લાવવામાં આવતા હતા. જેથી અહીં સતત 24 કલાક ભઠ્ઠીઓ સળગતી હોવા છતાં પણ મૃતદેહોને વેઇટિંગમાં રાખવામાં આવતા હતા. તે પ્રકારની સ્થિતિ ગાંધીનગરના સ્મશાનોમાં જોવા મળતી હતી પરંતુ આ એક ઈલેક્ટ્રીક ભઠ્ઠી પણ સંભવિત ત્રીજી લહેરમાં શું પૂરતી છે ? જો ત્રીજી લહેર આવે તેવી સ્થિતિ નિર્માણ થાય તો અન્ય 10 સ્ટેન્ડબાય કરેલી બધી ભઠ્ઠીઓ પણ ઉપયોગ લેવામાં આવશે.
સામાન્ય ભઠ્ઠીમાં 12 મણ લાકડાં જોઈએ છે, આ ઈલેક્ટ્રીક-વુડન ભઠ્ઠીમાં 6 મણ લાકડાની જરૂર પડે છે
સેક્ટર- 30 મુક્તિધામ સ્મશાનના સંચાલક જીલુભા ધાંધલે કહ્યું કે, જિલ્લા કલેક્ટરના આદેશથી ઇલેક્ટ્રીક વુડન ભઠ્ઠી મૂકાવવામાં આવી છે. સામાન્ય લાકડાની ભઠ્ઠીમાં 12 મણ લાકડાની જરૂર એક મૃતદેહને અગ્નિસંસ્કાર માટે પડે છે પરંતુ આ ભઠ્ઠીની વિશેષતા એ છે કે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં ફક્ત છ મણ લાકડાથી મૃતદેહને અગ્નિસંસ્કાર કરી શકાય છે. જેમાં વચ્ચેના ભાગે લાકડા નાખી મૃતદેહને ઉપરથી ઢાંકી, ઇલેક્ટ્રિક રીતે અગ્નિસંસ્કાર કરી શકાય છે. સામાન્ય ભઠ્ઠીને સળગતા ત્રણ કલાક જેટલો સમય વીતી જાય છે પરંતુ આ ભઠ્ઠીમાં એક જ કલાકમાં મૃતદેહનો અગ્નિસંસ્કાર થઈ જાય છે. તો મેનેજર વિજય ચૌધરીએ કહ્યું કે, "લાકડાની અત્યારે 10 ભઠ્ઠીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ટોટલ 17 ભઠ્ઠીઓ છે. બાજુમાં મૂકી દેવાયલી ભઠ્ઠીઓ સાથે થોકબંધ લાકડાઓ પણ સ્મશાનમાં મૂકવામાં આવ્યા છે. જેનો ઉપયોગ જરૂર પડતા કરવામાં આવશે."
એક સમયે મુક્તિધામ સ્મશાનમાં એક જ દિવસમાં એક સાથે 17 ભઠ્ઠીઓ કાર્યરત હતી
ગાંધીનગરની તમામ હોસ્પિટલ કોરોનાગ્રસ્ત દર્દીઓથી ભરેલી હતી. સિવિલના 600 બેડ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા હતા. રોજની 50 થી 70 જેટલી લાસ મુક્તિધામ સ્મશાનમાં બીજી લહેરમાં લાવવામાં આવતી હતી ત્યારે એક સાથે 2 CNG અને અન્ય 15 લાકડાની 17 ભઠ્ઠીઓ સળગતી હોવા છતાં મૃતદેહોને ચારથી પાંચ કલાક સુધી વેઇટિંગમાં રાખવામાં આવતા હતા. જો ત્રીજી લહેર આવે છે અને બીજી લહેર જેવી સ્થિતિ નિર્માણ થઈ તો આ ભઠ્ઠીઓ પણ ઓછી પડી શકે તેમ છે. સતત ભઠ્ઠીઓ આવતી હોવાથી CNG ભઠ્ઠીના રોડ પણ પીગળી ગયા હતા. ગાંધીનગર સેક્ટર- 30ના એક જ સ્મશાનમાં એક જ દિવસે રોજના 600 મણ લાકડાનો ઉપયોગ થતો હતો. એટલે આ એક જ મોટા સ્મશાનોમાં મહિનાના 18,000 મણ લાકડા ઉપયોગ બીજી લહેરમાં થતો હતો. હજુ પણ વધુ આ પ્રકારની ઇલેક્ટ્રીક ભઠ્ઠીઓની જરૂર છે.