ગાંધીનગરઃ તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા કોરોના સંરક્રમિત થયા હતા. આ ઉપરાંત પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમના કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. તેથી થોડા સમય માટે કમલમમાં રાજકીય મિટિંગોનો દોર અટકી ચૂક્યો હતો, પરંતુ હવે ફરીથી આગામી વિધાનસભાની 8 બેઠકો પરની પેટા ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને લઇને બેઠકોની શરૂઆત થઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારે ઉત્તર પ્રદેશના ભાજપ પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલયની સૌજન્ય મુલાકાત લીધી હતી. તેમનું સ્વાગત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના આગેવાનોએ કર્યું હતું.
સોમવારે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી. સતિષની આગેવામાં આગામી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની જેમને જવાબદારી સોંપવામાં આવી હોય તેવા પ્રભારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ભાજપ દ્વારા કયા પ્રકારની તૈયારી ચાલી રહી છે, તે અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં કેવી રીતે કામ કરશે તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપે આઠેય વિધાનસભાની બેઠક અંગે ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિધાનસભાની આઠેય બેઠકો પર ભાજપનો વિજય થાય તે રીતની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર માસમાં ભાજપ મંડળની કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે. ત્યારે રાજ્યના બધા જ મંડળો સહિત ગુજરાતના તમામ પદાધિકારીઓના પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવાનો વિચાર ભાજપ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.