- દિલ્હી સરહદ પર ખેડૂતોનો વિરોધ યથાવત
- ભાજપ ખેડૂતોને કાયદો સમજાવી રહ્યું છે
- પરસોત્તમ રૂપાલાએ સમજાવ્યા ખેડૂતોને
કેન્દ્ર સરકારના કૃષિ બિલનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે ગુરુવારે રાજકોટના પડધરી ખાતે બિલના સમર્થનમાં ભાજપ દ્વારા કૃષિ સંમેલન યોજવામાં આવ્યું હતુ. જેમાં કેન્દ્રીય રાજ્ય કૃષિપ્રધાન પરસોતમ રૂપાલાએ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિઓને સુધારેલા કૃષિ કાયદા અંગે માહિતી આપી હતી. આ સંમેલન રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા સહિતના જિલ્લાઓ માટે યોજવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ જિલ્લાના સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પરસોતમ રૂપાલાએ પોતાની આગવી શૈલીમાં કાયદો સમજાવ્યો
પડધરી ખાતે યોજાયેલા કૃષિ સંમેલનમાં કેન્દ્રીય રાજ્ય કૃષિપ્રધાન પરસોત્તમ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની આગવી શૈલીમાં ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, દેશનું માત્ર એક જ રાજ્ય એવું છે જ્યાં માર્કેટિંગ યાર્ડમાં 8 ટકા કમિશન છે, જ્યારે માલ ખેડૂતનો હોય છે અને લેવા વાળા વેપારીઓ હોય છે અને એમાં 8 ટકાનું કમિશન આપવાનું હોય છે. આ નવા બિલમાં ખેડૂતોને યાર્ડમાં માલ વેચવો હોય તો ત્યાં વેચે અથવા સારો વેપારી જો ઘરે આવીને માલ લઈ જતો હોય તો ખેડૂતો તેને માલ આપે.
કાઠિયાવાડમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી જ થાય છે ખેતી
રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને એમાં પણ કાઠિયાવાડમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી જ ખેતી થાય છે, જ્યારે નવા બિલમાં આ પદ્ધતિ બદલવામાં આવી છે. આ કાયદો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બનાવમાં આવ્યો છે અને સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. જો ખેડૂતોને આ નવા કાયદાથી કોઈ નુકસાન થતું હોય તો સરકાર તેમની વાત સાંભળવાં માટે તૈયાર છે.