- રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
- રાજ્યમાં વરસાદની ઘટ વચ્ચે પીવાના પાણી અને સિંચાઈના મુદ્દે થશે ચર્ચા
- વેક્સિનેશનને વધુ ઝડપી બનાવવા કરવામાં આવી શકે છે ચર્ચા
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે બુધવારે સવારે 10:30 વાગ્યે મહત્વની કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકની શરૂઆત કરવામાં આવશે, જેમાં રાજ્યના તમામ કેબિનેટ પ્રધાન અને રાજ્યકક્ષાના પ્રધાન ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, જે તે વિભાગના સચિવ, વિભાગના કમિશ્નર પણ હાજર રહેશે. મળતી માહિતી પ્રમાણે કેબિનેટ બેઠકમાં વરસાદની ઘટ અને સિંચાઈના, પીવાના પાણી, શાળાઓ શરૂ કરવી અને કોરોનાની ત્રીજી લહેરની જે તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે, તે અંગેની પણ ચર્ચા કરવામાં આવશે.
વરસાદની ઘટ અને સિંચાઈના પાણી મુદ્દે ચર્ચા
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જે રીતે ચોમાસું નબળું રહ્યું છે. રાજ્યના અત્યાર સુધીમાં સિઝનનો ફક્ત 50 ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે, ત્યારે સિંચાઈનું પાણી કઈ રીતે ખેડૂતોને આપવું અને પીવાના પાણીને કઈ રીતે પુરવાર કરવું તે અંગેનું આયોજન પણ કરવામાં આવશે, મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા આ અગાઉ પણ આયોજન કરી દેવામાં આવી છે, પરંતુ કેબિનેટ બેઠકમાં આ બાબતે ખાસ ચર્ચા કરવામાં આવશે.
શાળાઓ શરૂ કરવાની ચર્ચા
અગાઉની કેબિનેટમાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શાળાઓ શરૂ કરવાનો મુદ્દો કેબિનેટ બેઠકમાં મૂક્યો હતો, આ ઉપરાંત, ૧૫ ઓગસ્ટ શાળાઓ શરૂ થાય તે બાબતની પણ માહિતી આપી હતી. તેમ છતા શાળાઓ શરૂ કરવામાં આવી નથી, ત્યારે આજે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ફરીથી શાળાઓ શરૂ કરવાની ચર્ચા જોવા મળી રહી છે, પરંતુ જે રીતે કેન્દ્ર સરકારે ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે, તેને લઈને રાજ્યમાં કઈ રીતે શાળાઓ શરૂ કરી શકાય તે બાબતનું પણ આયોજન અને ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.
વેક્સિનની ગતી વધારીને કોરોનાની ત્રીજી લહેરને રોકવાનો પ્રયાસ
IIT કાનપુર દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે, વેક્સિનેશન ઝડપી કરવામાં આવશે તો ત્રીજી લહેર અસરકારક રહેશે નહીં, ત્યારે ગુજરાત રાજ્યમાં ત્રીજી લહેરને ડામવા આજની કેબિનેટ બેઠકમાં વધુમાં વધુ ઝડપથી વેક્સિનેશન કરવા બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.