ગાંધીનગરઃ શહેરની ગિફ્ટ સીટીમાં આવેલી ઈ-કોમર્સ કંપનીમાંથી 8.56 કરોડની ઉચાપત થઈ છે. જે મુદ્દે ડભોડા પોલીસ સ્ટેશનમાં કંપનીના ભૂતપૂર્વ એકાઉન્ટન્ટ સહિત 4 સામે ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી પ્રમાણે ગિફ્ટ સીટીમાં આવેલા ગીફ્ટ-2 બિલ્ડિંગમાં 27માં માળે NSI ઈન્ફીનીયમ ગ્લોબલ લિમિટેડ કંપની આવેલી છે. જેમા ગત 4 એકાઉન્ટન્ટ હેડ તરીકે અમદાવાદમા રહેતો ચિંતન હેમંત વ્યાસ (રહે-સી-25, આમ્રકુંજ એપાર્ટમેન્ટ,મેમનગર) ફરજ બજાવતો હતો. કંપની દ્વારા થતા તમામ પ્રકારના નાણાંની ચુકવણી માટે ચિંતન વ્યાસને અધિકૃત કરવામાં આવ્યો હતો. કંપનીના વેન્ડરોને રૂપિયાની ચુકવણી પણ તે કરતો હતો. 14 ઓગસ્ટ 2019ના રોજ ચિંતન વ્યાસે નોકરી છોડી દીધી હતી.
બીજી બાજુ જૂન-2020માં કંપનીને સામાન આપતા વેન્ડર્સે રૂપિયાની માંગણી કરી હતી. જેના પગલે તપાસ કરતાં કંપનીના હિસાબમાં વેન્ડર્સને પૈસા ચૂકવી દેવાયા હોવાનું લખાયું હતું. જેને પગલે કંપનીએ બેન્ક ખાતાની તપાસ કરતાં તેમાંથી ચિંતન વ્યાસ તથા તેના પરિવાર અન્ય સભ્યો એમ.એચ.વ્યાસ, હેમત એચ.વ્યાસ અને જાનકી વ્યાસ નામના ખાતામાં કુલ 8,56,04,828 રૂપિયા ટ્રાન્સફર થયા હતા. જેને પગલે કંપની દ્વારા ચિંતન વ્યાસને બોલાવીને પૂછપરછ કરતાં તેણે ઉચાપત કરી હોવાનું કબૂલ્યું હતું. જેથી ચિંતન વ્યાસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ચિંતન વ્યાસે થોડા સમયમાં પૈસા કંપનીમાં જમા કરાવી દેવાની ખાતરી સાથે નોટરી સમક્ષ સોગંધનામું કરી આપ્યું હતું. જો કે, પૈસા પરત ન મળતા કંપનીના મેનેજર પંકીલ જીતેન્દ્રકુમાર ચોક્સીએ આ મુદ્દે ડભોડા પોલીસ સ્ટેશનમાં ઉચાપત, વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત આરોપી કંપનીનું ડિજિટલ પેમેન્ટ પણ કરતો હતો. જેથી કંપનીની ચેક બુકો અને બેન્કિંગ પાસવર્ડ પણ તેની પાસે હોવાથી ફરિયાદીને શંકા છે કે, કંપનીનો ફાયનાન્શિયલ ડેટા ચોરી કરીને દુરઉપયોગ પણ થઇ શકે છે.