ગાંધીનગર- ગુજરાતમાં શ્રીકાર વરસાદનો માહોલ જામેલો છે. ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદની ફરિયાદ કદાચ આ વર્ષે ન વરતાય એવો વરસાદ થઇ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો, રાજ્યના 5 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 13 તાલુકાઓમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે રાજ્યમાં મોસમના કુલ વરસાદનું પ્રમાણ 66 ટકાનું થઇ ચૂક્યું છે.
સૌથી વધુ થરાદમાં વરસ્યો - ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 66 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. તેમાં રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 25 જુલાઇ 2022ના રોજ સવારે 6 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન થરાદ તાલુકામાં 150 મિ.મી., વરસાદ નોંધાયો છે. જ્યારે લાખણી 96 મિ.મી. કઠલાલમાં 85 મિ.મી, સુઈગામ અને વડગામમાં 81 મિ.મી. અને પાલનપુરમાં 75 મિ.મી મળી પાંચ તાલુકાઓમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ સહિત રાજ્યના અન્ય આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
આ પણ વાંચોઃ વાઘોડિયાની કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા બાળકોને હાલાકી
13 તાલુકાઓમાં 2 ઈંચ વરસાદ - મહેમદાવાદ તાલુકામાં 72 મિ.મી., ખેરગામમાં 69 મિ.મી., દાંતામાં 67 મિ.મી., વાવમાં 65 મિ.મી, મહુધામાં 60 મિ.મી, ધાનેરામાં 58 મિ.મી, ડીસામાં 54 મિ.મી, અંજાર અને સતલાસણામાં 52 મિ.મી., વાલિયામાં અને સંતરામપુરમાં 51 મિ.મી., ભુજ અને બાલાસિનોરમાં 50 મિ.મી મળી કુલ 13 તાલુકાઓમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચોઃ ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ, સાબરકાંઠામાં 24 કલાકથી વરસાદી માહોલ
જુદા જુદા ઝોનમાં કેટલો વરસાદ - અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના 58 તાલુકાઓમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે અને રાજ્યમાં ચાલુ મૌસમનો કુલ સરેરાશ વરસાદ 66 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 116.30 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 80.47 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 60.69 ટકા, પૂર્વ ગુજરાતમાં 56.34 ટકા અને ઉત્તર ગુજરાતમાં 46.82 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.