- રાજયમાં શિક્ષણ સજ્જતા પરીક્ષા મામલો
- રાજ્યમાં સરેરાશ 37 ટકા શિક્ષકો રહ્યા હાજર
- 1.50 લાખ શિક્ષકોએ કરી હતી અરજી
ગાંધીનગર : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના સજ્જતા પરીક્ષાનું આયોજન આજે મંગળવારે કરવામાં આવ્યું હતું, આ સાથે જ છેલ્લાં 2 દિવસથી સજ્જતા પરીક્ષાનો વિરોધ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પરીક્ષાનું સમર્થન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં અનેક સેન્ટરોમાં આજે મંગળવારે શિક્ષકો પરીક્ષા આપવા પહોંચ્યા ન હતા અને પરીક્ષા બાદ રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, રાજ્યમાં 57,000 જેટલા શિક્ષકો શિક્ષક સજ્જતા પરીક્ષામાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: જામનગરમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ અંતર્ગત શિક્ષકોએ આપી કસોટી
1,51,000 શિક્ષકો પરીક્ષામાં જોડાવાને પાત્ર
રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જરૂરી છે, જેમાં રાજ્યમાં અંદાજે 1 લાખ 50 હજાર જેટલા શિક્ષકો પરીક્ષામાં જોડાવાને પાત્ર હતા, જેમાંથી 37 ટકા જેટલા શિક્ષકો સર્વેક્ષણમાં જોડાયા હતા, એટલે કે અંદાજે 57,000 જેટલા શિક્ષકો સ્વૈચ્છિક રીતે શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં જોડાયા હતા, જ્યારે કેટલાક લોકોએ શિક્ષકોને આ સર્વેક્ષણનો બહિષ્કાર કરવા ઉશ્કેર્યા હોવાનો પમ દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, હજારોની સંખ્યામાં શિક્ષકોએ આ સર્વેક્ષણમાં જોડાઈને પોતાની નિષ્ઠા પ્રદર્શિત કરી હતી.
શિક્ષક મહાસંઘ વચ્ચે બેઠકનુ આયોજન
શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ અગ્ર સચિવ વિનોદ રાવની અધ્યક્ષતામાં શૈક્ષણિક શિક્ષક મહાસંઘ વચ્ચે બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બેઠકમાં કોઈ પ્રકારનો ઉકેલ આવ્યો ન હતો અને શિક્ષકોએ પરીક્ષાના વિરોધ કરવાની સ્પષ્ટતા કરીને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષામાં અમદાવાદમાં કેન્દ્રો ખાલીખમ ગાંધીનગરમાં નહિવત સંખ્યા
ક્યાં શિક્ષકોને કઈ તાલીમની જરૂર છે તે હવે નક્કી થશે
97 લાખ લોકોએ આ પરીક્ષણમાં ભાગ લીધો હતો, ત્યારે હવે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સર્વેક્ષણના પરિણામોને આધારે શિક્ષણ વિભાગ હવે પછી ક્યા શિક્ષકોને ક્યા મુદ્દાઓની તાલીમની જરૂર છે, તેનો અહેવાલ તૈયાર કરીને આગામી સમયમાં તાલીમનું આયોજન કરવામાં આવશે.
નવસારીના 78 ટકા શિક્ષકો જોડાયા
અમદાવાદ, વડોદરા, સુરત જેવા સેન્ટરો પરથી શિક્ષકો વધુ પ્રમાણમાં જોડાયા ન હતા, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે નવસારી જિલ્લામાં 78 ટકા જેટલા શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાયા હતા. આમ નવસારી જિલ્લો શિક્ષણમાં અગ્રેસર છે. વિજયનગર જેવા બહુ જ અંતરિયાળ અને આદિવાસી તાલુકામાં ૯૯ ટકા જેટલા શિક્ષકો આ સર્વેક્ષણમાં જોડાયા હતા.