- સુરત ગ્રામ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલની બાયોડિઝલ મુદ્દે સૌથી મોટી રેડ
- ગાંધીનગરથી રેડનું કરાયું આયોજન
- દક્ષિણ ગુજરાતના અસલમ તૈલીની ધરપકડ
- 6.90 કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર : ગુજરાતમાં બાયોડીઝલના વેચાણ પર પ્રતિબંધ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં અમુક ખૂણાઓમાં બાયોડીઝલ (Biodiesel) નું ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલને મળતી બાતમીના આધારે તથા સ્થાનિક વહીવટીતંત્ર અને પુરવઠા ખાતાના અધિકારીઓ અને રાજ્ય વેરા વિભાગના અધિકારીઓ તરફથી મળતી માહિતી પ્રમાણે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કરંજ GIDC ના પાટીયા સામે એક ફેક્ટરીમાં રેડ (Raid) કરવામાં આવી હતી. જેમાં પોલીસે કુલ 6.90 કરોડનો મુદ્દામાલ ઝડપીને છેલ્લા 48 કલાકથી FIR અને પંચનામાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કઈ રીતે થતું હતું વેચાણ ?
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ બાયોડીઝલ (Biodiesel) ના ગેરકાયદેસર વેચાણ બાબતે જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારના કરંજ GIDC ના પાટીયા પાસે આવેલી એક ફેક્ટરી તથા ભાટકોલ ગામની સીમ માંડવી કીમ રોડ પાસે આવેલા ખેતરમાં ગેરકાયદેસર બાયોડિઝલનું વેચાણ કરવામાં આવતું હતું. આમ ખુલ્લા ખેતરોમાં જે રીતે પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરવામાં આવતું હોય છે. તેવી જ રીતે ખુલ્લા ખેતરોમાં હરતું-ફરતું પેટ્રોલ પંપ તૈયાર કરીને ગેરકાયદેસર રીતે બાયોડીઝલ (Biodiesel) નું વેચાણ કરવામાં આવતું હતું. જ્યારે પોલીસની રેડ (Raid) દરમિયાન 7 થી 10 જેટલી ટ્રકો જે ડીઝલ ભરાવવા માટે આવ્યા હતા તેમની પણ ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ઉત્પાદન પણ કરવામાં આવતું હતું. જ્યારે ફેક્ટરીમાંથી પકડાયેલો એક ટ્રક બાયો ડીઝલ ભરીને ઔરંગાબાદ પણ પહોંચાડવાનો હતો તે ટ્રક પણ મુદ્દામાલમાં સમાવી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: સુરતના આનંદનગરમાં દેશીદારૂના અડ્ડા પર આમ આદમી પાર્ટી દ્વારા જનતા રેડ કરાઈ
મુખ્ય આરોપી અસલમ તૈલીની ધરપકડ
રાજ્યના DGP આશિષ ભાટિયાએ અનઅધિકૃત રીતે વેચાણ કરતા બાયોડીઝલના મુખ્ય આરોપી અસલમતૈલીની ધરપકડ કરાઇ હોવાની પણ માહિતી જાહેર કરી હતી. આ ઉપરાંત અન્ય સાત આરોપીઓ તથા 24 ડ્રાઇવરોની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો અસલમ તૈલી આ બાયોડીઝલ (Biodiesel) ગેરકાયદેસર વેચાણ કૌભાંડમાં મહત્ત્વનો આરોપી છે. જે દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટો કારોબાર ચલાવતો હતો તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગેરકાયદે બાયોડિઝલ: રાજકોટ રેન્જમાં છેલ્લા 2 દિવસમાં 14 કેસ, દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે
અસલમ સાથે વ્યવહાર કરનારા તમામ અધિકારીઓની થશે તપાસ
મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ દરમિયાન જ જાહેર કર્યું હતું કે, અસલમ તૈલીએ દક્ષિણ ગુજરાતમાં બાયોડીઝલનું વેચાણ કરવામાં નંબર વન એટલે કે કિંગ તરીકે ગણના થતી હતી. અમુક પોલીસ અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને પણ પૈસાનો વહીવટ કરતો હોવાની વાત પણ સામે આવી છે. આ બાબતે પણ જે પોલીસ અધિકારી અથવા તો કર્મચારી સાથે પૈસાનો વ્યવહાર થતા હશે તો આ બાબતે પણ સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. જે બાદ પોલીસ વિરુદ્ધ પણ ખાતાકીય તપાસ હાથ ધરાશે. આમ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ અને અન્ય વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અનઅધિકૃત વેચાણથી રાજ્યમાં કરની આવકમાં નુકસાન
આશિષ ભાટિયાએ અનઅધિકૃત રીતે બાયોડીઝલ (Biodiesel) ના ઉત્પાદન અને વેચાણ બાબતે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપી પાસેથી મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે આ લોકો ડીઝલનો કાચો માલ અથવા તો એવા કેમિકલ છે જેના ઉપયોગથી બાયોડીઝલ જેવું પ્રોડક્ટ તૈયાર કરતા હતા. જ્યારે તેઓએ રાજ્ય સરકારના GPCB પાસેથી લાયસન્સ લઈને તેની આડમાં આ બાયોડિઝલનો ઉત્પાદન કરવામાં આવતું હતું, ત્યારે આ ખરેખર બાયોડીઝલ છે કે નહીં તે અંગે પણ FSl માં તપાસ કરવામાં આવશે. ઉપરાંત આવી રીતે અનઅધિકૃત બાયોડીઝલનું વેચાણ કરવાથી રાજ્યના આવકમાં પણ નુકસાન થતું હોવાનું નિવેદન આશિષ ભાટિયાએ આપ્યું હતું.
અત્યાર સુધીમાં 311 કેસ અને 455 આરોપીઓની ધરપકડ
આશિષ ભાટિયાએ બાયોડીઝલના અનઅધિકૃત રીતે ઉત્પાદન અને વેચાણ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જુલાઈ 2020 થી 10 ઓગસ્ટ 2021 સુધીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કુલ 311 જેટલા ગુનાઓ દાખલ કરીને 455 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આમ હવે રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જે પદાર્થો બાયોડીઝલ નામે વેચવામાં આવે છે તે ખરેખર શું છે અને તેનો મોટી માત્રામાં જથ્થો ક્યાંથી આવે છે તે અંગે આ અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ રાજ્યમાં અનઅધિકૃત રીતે બાયોડીઝલના વેચાણ બાબતે રેડ (Raid) યથાવત રાખવામાં આવશે.