- ઈલાજ માટે 16 કરોડની જરૂર
- 2 કરોડ સમાજિક સંસ્થા અને ક્રાઉડ ફંડથી ભેગા કર્યા
- સારવાર લઈ રહેલા બાળક માટે 60થી 70 દિવસમાં રકમ એકત્રિત કરવાનો ટાર્ગેટ
ગાંધીનગર: રાજ્યમાં ધૈર્યરાજ બાદ વધુ એક 4 મહિનાનો વિવાન અશોકભાઈ વાઢેર સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી SMA 1 નામની બીમારીનો ભોગ બન્યો છે. 4 મહિનાના વિવાન માટે 60થી 70 દિવસમાં રકમ એકત્રિત કરવાનો ટાર્ગેટ પરિવારનો છે. આ માટે વિવાનના પરિવારજનો સામાજિક સંસ્થાની મદદથી ફંડ એકત્ર કરી રહ્યા છે. છેલ્લા 1.5 મહિનાથી પરિવાર ફંડ એકત્રિત કરવા માટે મહેનત કરી રહ્યો છે, ત્યારે 2 કરોડથી વધુ રકમ એકત્રિત કરી છે.
આ પણ વાંચો- ધૈર્યરાજ એક જ નહીં, ગુજરાતમાં 19થી પણ વધારે બાળકો છે SMAથી પીડિત
આ બિમારી માટે 16 કરોડના એક ઇન્જેક્શનની જરૂર પડે છે
વિવાનના પિતા અશોકભાઈએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, આ બિમારી માટે 16 કરોડના એક ઇન્જેક્શનની જરૂર પડે છે. 2 કરોડ જેટલી રકમ વિવાનના એકાઉન્ટમાં જમા થઈ ગઈ છે અને બીજી 50થી 80 લાખ જેટલી ક્રાઉડ ફંડીંગ થકી ટૂંક સમયમાં તેના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. સામાન્ય પરિવારના બાળકને આ પ્રકારની બિમારી થાય તો તેની સારવાર કરવી મુશ્કેલ છે. આ પ્રકારના સંજોગોમાં અમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકર પાસે મદદની આશા છે. આ સાથે તેમને લોકોને પણ વધુને વધુ ફાળો આપવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો- ધૈર્યરાજસિંહને 16 કરોડનું ઈન્જેક્શન મૂકાયું, 24 કલાક સુધી ડોકટરોની દેખરેખ હેઠળ રહેશે
વિવાનની સારવાર અત્યારે મુંબઈની હોસ્પિટલમાં ચાલી રહી છે
બાળક વિવાનના પિતા કચ્છના મુન્દ્રા ખાતે ખાનગી કંપનીમાં સામાન્ય કામગીરી કરે છે, જ્યારે તેની માતા રક્ષાબેન સામાન્ય ગૃહિણી છે. બાળકના પિતાના જણાવ્યા અનુસાર, બાળક જ્યારે 2 મહિનાનું હતું, ત્યારે આ અસાધ્ય રોગની જાણ થઈ હતી. હાલ આ બાળક 4 મહિનાનો છે. તેની સારવાર મુંબઈમાં એસ.આર.સી.સી હોસ્પિટલમાં થઈ રહી છે. પરિવાર છેલ્લા દોઢ મહિનાથી વિવાનની સારવાર માટે પબ્લિક ફંડ માટે રસ્તા પર અને ઉદ્યોગપતિ ,સરકાર પાસે મદદ માટે હાથ લંબાવી રહ્યો છે.