- 2014થી અત્યાર સુધી 3,464 આવાસો ફાળવવામાં આવ્યા
- મુખ્યમંત્રી ગૃહ નિર્માણ નીતિ અને PM આવાસ યોજના હેઠળ મકાનો ફાળવાયા
- કેટેગરીના નિયમ પ્રમાણે જ મકાનો જે તે વ્યક્તિને મળતા હોવાથી એમને જ પડ્યા રહ્યા છે
ગાંધીનગર: શહેરી વિકાસ સત્તામંડળ (Urban Development Authority) દ્વારા મુખ્યમંત્રી ગૃહ નિર્માણ નીતિ (CM Housing Policy) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (Pradhan Mantri Awas Yojana) હેઠળ ગાંધીનગરમાં જુદા જુદા મકાનો સસ્તામાં લોકોને ફાળવવામાં આવી રહ્યા છે. 2014થી લઈને અત્યાર સુધીમાં 3,464 આવાસો જુદી જુદી કેટેગરીના ફાળવવામાં આવ્યા છે. માર્ચ 2021માં 2,100 જેટલા EWS-2ના મકાનો માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. જો કે જે મકાનો આ પહેલા ફાળવવામાં આવ્યા છે તેમાં 18થી 20 મહિનાના સમયગાળામાં લોકો પૈસા ન ભરી શકતા એ મકાનો પડ્યા રહે છે, જ્યારે જે તે કેટેગેરીના લોકોને મકાનોની સ્કીમ પ્રમાણે મકાનો ફાળવવામાં આવતા હોવાથી આ મકાનો ધુળ ખાઈ રહ્યા છે.
ભાડે આપતા લોકોના મકાનો સીલ કરવામાં આવ્યા
ગાંધીનગરમાં ડેવલપ થઈ રહેલા જુદા જુદા એરિયામાં L.I.G, M.I.G., EWS સહિતના મકાનોની સ્કીમ બહાર પાડી લોકોને સસ્તા મકાનો આપવામાં આવ્યા છે, પરંતુ લોકોની માનસિકતા આ મકાનોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી ભાડે આપવાની હોય છે. કેમ કે આ મકાન માર્કેટ વેલ્યુ કરતા સસ્તા પડતા હોવાથી તેઓ બીજા મકાનોમાં રહી તેનું ભાડું વસુલતા હોય છે, પરંતુ ગુડા દ્વારા કડક કાર્યવાહી કરી આ મકાનો સીલ કરવાની કવાયત પણ હાથ ધરાઈ છે. જો કે આ આવાસો કેટેગરી પ્રમાણે આપવાના હોવાથી જે તે કેટેગરીના લોકો ન મળતા આ આવાસો એમ ને એમ પડ્યા રહે છે.
2020ની સ્કીમના EWS-2ના 79 મકાનો ફાળવવાના બાકી
ગાંધીનગરના જુદા જુદા વિસ્તારોના EWSના 2,100 મકાનોની સ્કીમ બહાર પાડવામાં આવી છે. જો કે તેમાં જોઈએ એવો રિસ્પોન્સ મળ્યો નથી. 4,632 ફોર્મ આ સ્કીમ માટે આવ્યા છે. 2020માં કુડાસણ અને સરગાસણ 728 EWS-2ના મકાનોની સ્કીમ બહાર પાડવામાં આવી હતી, જેમાં 649 મકાનોનો ડ્રો થઇ ગયો છે, પરંતુ હજુ સુધી 79 મકાનો ધુળ ખાઈ રહયા છે કેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન જુદી જુદી કેટેગરીમાં ફાળવવામાં આવે છે. આ જ રીતે દરેક સ્કીમના મકાનો પડ્યા જ રહે છે. નિયમ પ્રમાણે મકાન એ જ કેટેગરીના વ્યક્તિને ફાળવવામાં આવે છે.
33 મકાનો ભાડે આપ્યા હોવાના કારણે સીલ કર્યા
શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો ફાળવવામાં આવે છે, પરંતુ કેટલાક વ્યક્તિઓ પાસે એક મકાન હોવા છતાં પણ ખોટું સોગંદનામુ કરી આવાસ યોજનામાં ફોર્મ ભરે છે અને ડ્રોમાં લાગતા તે મકાનના માલિક બને છે. આવા લોકોએ એ મકાનમાં રહેતા નથી, પરંતુ ભાડે આપે છે, જેથી ગુડાએ આવા લોકોની સામે લાલ આંખ કરી છે. અત્યાર સુધી 33 મકાનોને સીલ કરી દેવામાં આવ્યા છે જેમાં પહેલીવાર નોટિસ પાઠવ્યા બાદ મકાન સીલ થાય છે. બીજીવાર 25 હજાર રૂપિયા દંડ ભરાવી મકાન આપવામાં આવે છે અને જો ફરીથી તેવું થાય છે તો લીગલ કાર્યવાહી કરવામાં આવે છે.
EWSના મકાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હમણાં જ પૂર્ણ થઈ
આ અંગે ગુડાના ડેપ્યુટી ડિરેકટર કુસુમ પ્રજાપતિએ કહ્યું કે, 2014માં પહેલીવાર L.I.G-1 આવાસ ફાળવવામાં આવ્યા હતા, જેમાં 1,120 આવાસો જુદી જુદી 5 જગ્યાએ ફાળવવામાં આવ્યા હતા. ત્યારબાદ 2015માં L.I.G-2ના અડાલજ ખાતે 504 જેટલા આવાસોની સ્કીમ બહાર પાડવામાં આવી હતી. એ પછી 2016માં M.I.ના કુડાસણના 480 મકાન, રાયસણમાં 392 મકાનોનો ડ્રો 2017માં થયો હતો. ત્યારબાદ પણ કુડાસણમાં 240 મકાનોનો ડ્રો કરાયો હતો. 2020માં ફરી કુડાસણ અને સરગાસણમાં 728 આવાસોનો ડ્રો થયો છે. ત્યારબાદ આ વર્ષે 2,100 જેટલા EWSના મકાન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હમણાં જ પૂર્ણ થઈ છે.
આ પણ વાંચો: રૂપાલની પલ્લીનો મેળો આ વર્ષે નહીં ભરાય, માતાજીની પલ્લી મર્યાદિત લોકોની હાજરીમાં વિધિવત રીતે નિકળશે
આ પણ વાંચો: ગૃહ વિભાગની જાહેરાત: હવે 11 નવેમ્બર સુધી રાત્રી કરફ્યૂ અમલી, રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 સુધી કરફ્યૂ