- રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ બાબતે સરકારનો ખુલાસો
- રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગમાં કુલ 345 કેસ દાખલ
- 345 અરજીઓમાં FIR દાખલ : 190 જેટલા ગુનાઓમાં ચાર્જશીટ દાખલ
- 190 કેસો નામદાર સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા
- 6884 હજારથી વધુ અરજીઓમાંથી 4489 અરજીઓની તપાસ પૂર્ણ
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા મહેસૂલપ્રધાન કૌશિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગનો ધારો પસાર કર્યો હતો તેના ભાગરૂપે રાજયના વિવિધ જિલ્લાઓમાં 345 જેટલી FIR દાખલ કરી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ 6884 અરજીઓ મળી
કૌશિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં જમીન પચાવી પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ભૂમાફિયાઓને નાથવા માટે આ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ હેઠળ ગુજરાત સરકારે ટૂંકા ગાળામાં સિમાચિન્હરૂપ કામગીરી કરી છે. છેલ્લા એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 6884 હજારથી વધુ અરજીઓ મળી હતી. તેમાંથી 4489 અરજીઓની તપાસ પૂર્ણ કરવામાં આવી છે.
28 કરોડ 61 લાખ 80 હજાર ચો.મી.ની જમીન પર લેન્ડ ગ્રેબિંગ
કલેકટર હસ્તક આવેલ અરજીઓમાં સરકારી અને ખાનગી મળી કુલ 28 કરોડ 61 લાખ 80 હજાર ચો.મી. જમીન પર લેન્ડ ગ્રેબિંગ થયું હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. તપાસબાદ આ પૈકી રૂ. 730 કરોડની કિંમતની 76 લાખ 60 હજાર ચો.મી. જમીન પર લેન્ડ ગ્રેબિંગ પુરવાર થતાં 1178 વ્યક્તિઓ સામે 345 એફ.આઈ.આર. (FIR) નોંધવામાં આવી છે. જેમાંથી 190 વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
હવે ઓનલાઈન અરજીઓ પણ થઈ શકશે
પટેલે વધુમાં જણાવ્યું હતું કે,રાજય સરકારે મહેસૂલી સેવાઓના લાભો નાગરિકોને સત્વરે મળી રહે એ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને i-ORA પોર્ટલ કાર્યરત કર્યુ છે જેના પરિણામે કામગીરીમાં ઝડપ આવી છે. લેન્ડ ગ્રેબ્રિગ એકટ અંગે પહેલા સંબંધિત કલેકટરને અરજી કરવાની હતી. હવે નાગરિકો ઓનલાઈન અરજી કરી શકે એવી વ્યવસ્થા ઉભી કરાઈ છે આ માટે આ પોર્ટલ પર અરજી કરી શકાશે.
આ પણ વાંચોઃ Land Grabbing Act : ગાંધીનગરમાં કુલ 138 અરજીઓ પૈકી હજુ 105 અરજીઓ પેન્ડીંગ
આ પણ વાંચોઃ Rajkot Police એ આક્રમક વ્યાજખોરી અને અને લેન્ડ ગ્રેબિંગ મુદ્દે યોજ્યો લોકદરબાર