- 20 જેટલા જિલ્લાઓમાં કોરોનાના જીરો કેસ
- 3.92 લાખ કરતા વધુ લોકોને આજે રસી અપાઈ
- સુરતમાં 4 અને વડોદરામાં 3 કેસ નોંધાયા
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર (Corona Second Wave) બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે 08 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 29 કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Case) નોંધાયા છે. જ્યારે 41 લોકોને હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી છે. દિવાળીમાં માર્કેટમાં ભીડ જોવા મળી હતી, જેથી જે જિલ્લાઓમાં જીરો કેસ આવતા હતા ત્યાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા છે.
અમદાવાદમાં કોરોનાના 3 કેસ સામે આવ્યા
આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાના 29 કેસ નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન અમદાવાદમાં 3, સુરતમાં 4, વડોદરામાં 3 અને રાજકોટમાં 4 કેસો નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસથી વલસાડમાં કેસો વધી રહ્યા છે. વલસાડમાં આજે 4 પોઝિટિવ કેસો નોંધાયા છે. તો જૂનાગઢમાં 3, ભાવનગર કોર્પોરેશનમાં 2 કેસો નોંધાયા હતા. જો કે તમામ શહેરોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટમાં કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક સમયથી અન્ય જિલ્લાઓમાં કેસો નહિવત પ્રમાણમાં જોવા મળ્યા હતા, ત્યાં સિંગલ ડિજિટમાં કેસો નોંધાયા હતા.
20 જિલ્લાઓમાં કોરોનાના જીરો કેસ
બીજી બાજુ વાત કરવામાં આવે તો 20 જેટલા જિલ્લાઓમાં કોરોનાના જીરો કેસ નોંધાયા છે. વેક્સિનેશનની વાત કરીએ તો આજે 3.92 લાખ કરતા વધુ લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 7,19,77,796 ડોઝ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 08 નવેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 3,92,615 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આજે ગુજરાતમાં 18થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 23,350 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 2,74,699ને બીજો ડોઝ અપાયો હતો.
રાજ્યમાં વેન્ટિલેટર પર 06 દર્દીઓ, 211 દર્દીઓ સ્ટેબલ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 217 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 06 વેન્ટિલેટર પર અને 211 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,090 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,457 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો: No Confidence Motion : છોટા ઉદેપુર નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર
આ પણ વાંચો: બનાસકાંઠાનાં ડીસા તાલુકામાં ખેડૂતોને ખાતર ન મળતાં રોષની લાગણી મળી જોવા