- દિવાળીના તહેવારમાં રાજ્યનું ફૂડ વિભાગ એક્ટિવ
- 3 સરકારી અને 14 ખાનગી લેબોરેટરી કરી રહી છે દૂધ અને મીઠાઈની ચેકિંગ
- દિવાળીના તહેવારમાં લીધેલા સેમ્પલના રિપોર્ટ તહેવાર બાદ આવશે
ગાંધીનગર: દિવાળી (Diwali)ના તહેવારો દરમિયાન રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Department of Food and Drugs, Gujarat) દ્વારા મીઠાઈઓ અને દૂધ માવાના સેમ્પલ લઇને ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય (Health) સાથે ચેડા ન થાય તે માટે તમામ જિલ્લાઓમાં અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા (Raids By The Health Department) પણ પાડવામાં આવે છે ત્યારે આ વર્ષે હવે દિવાળીને ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે ફરીથી રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્ટિવ થયું છે અને સમગ્ર રાજ્યમાં કુલ 20 જેટલી લેબોરેટરી કાર્યરત હોવાનું નિવેદન રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર એચ.જી કોશિયાએ આપ્યુ છે.
રાજ્યમાં કુલ 20 ટીમ કાર્યરત
એચડી કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં રાજ્યના નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરી રહેલા તત્વો સ્વામી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભેળસેળ કરેલા પદાર્થોમાં દુકાનદારો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી માટે રાજ્યમાં કુલ 20 જેટલી ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી કાર્યરત કરવામાં આવી છે, જેમાં 3 સરકારી લેબોરેટરી, 14 ખાનગી લેબોરેટરી અને 3 મ્યુનિસિપલ કોર્પોરેશન લેબોરેટરીમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
15 હજાર જેટલા નમૂનાઓનું પૃથ્થકરણ થશે
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દર વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન 15 હજારથી વધુ નમૂનાઓનું પૃથક્કરણ કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ 15,000 જેટલા નમૂનાઓનું પૃથક્કરણ કરવામાં આવશે, જ્યારે અત્યાર સુધીમાં 3,000 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં જેટલી પણ પ્રખ્યાત સ્વીટ માર્ટની દુકાનો અને શોરૂમ આવ્યા છે, તે તમામ જગ્યા ઉપર રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
4 સિટીમાં ઓન ધ સ્પોટ સુવિધાઓ
એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, રાજ્યની 4 મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં ટેસ્ટિંગ વાન તપાસ માટે ફરી રહી છે, જેમાં ફક્ત ગણતરીના કલાકોમાં અને મિનિટોમાં ખાદ્ય પદાર્થોમાં કોઈ પ્રકારની ભેળસેળ થઇ છે કે નહીં તે જાણી શકાશે અને તાત્કાલિક ધોરણે જે તે મિશ્રિત પદાર્થનો નાશ પણ કરવામાં આવશે. આમ દિવાળીના તહેવારો દરમિયાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી ટેસ્ટિંગ વાન દ્વારા જ સ્થળ પર જ ભેળસેળ કરનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દંડની નવી જોગવાઈ
કોઈપણ ખાદ્ય પદાર્થમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ નવા દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં નવા ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત 5 હજારથી લઈને 5 લાખ સુધીના દંડની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે, જ્યારે ક્રિમિનલ સજા સાથે રુપિયા 10 લાખના દંડથી લઈને આજીવન કેદની સજા પણ થઇ શકે છે.
આ પણ વાંચો: પાંડેસરામાં કચરાના ઢગલામાં ત્યજી દેવાયેલ નવજાત બાળકીના પ્રકરણમાં બિહારી યુવકની ધરપકડ
આ પણ વાંચો: કીર્તિમંદિરમાં મૂકેલું સેલ્ફી પોઇન્ટ હટાવવા Congress સેવાદળની માગણી