- સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોનથી સર્વેની કામગીરીનો આરંભ કરાશે
- 18 ગામોને પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવશે
- પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી આપવા માટે સ્વામિત્વ યોજના અમલી બનાવી છે
ગાંધીનગર: ભારત સરકારના પંચાયતરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેક્નોલોજી દ્વારા મિલકતોની માપણી કરવા માટે સ્વામિત્વ યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત ભારત-રાજય સરકાર માટે સર્વે ઓફ ઇન્ડિયા, પંચાયત વિભાગ અને મહેસુલ વિભાગના સંયુક્ત રીતે કામ કરશે.
આ પણ વાંચો- સ્વામીત્વ યોજના હેઠળ વડાપ્રધાન ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું
પાઇલોટ પ્રોજેકેટના સુચારું આયોજન અર્થે કમિટી બનાવાઇ છે
આ પાઇલોટ પ્રોજેકેટના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેક્ટર ડૉ કુલદીપ આર્યા, જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, પ્રાંત અધિકારી, જિલ્લા નોંધણી નિરીક્ષક, ડિસ્ટ્રીક્ટ ઇન્ફોમેટિકસ ઓફિસર અને સર્વે ઓફ ઇન્ડિયાની કમિટી બનાવવામાં આવી છે.
પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કુલ-18 ગામોનો સર્વે કરાશે
પાઇલોટ પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવતા આ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના કુલ-18 ગામોનો સર્વે કરવામાં આવશે. હાલમાં ગાંધીનગર તાલુકાના રાજપુરા, મુબારકપુરા, પીંઢારડા, માધવગઢ અને જાખારો ગામમાં ડ્રોનથી સર્વેની કામગીરી કરવામાં આવશે.
24મી ઓગસ્ટથી આ પાંચ ગામમાં કામગીરીનો આરંભ કરાશે
હાલમાં સર્વેની કામગીરી માટે ચૂના માર્કીંગની કામગીરી આ પાંચ ગામમાં ચાલુ છે. જેમાં 24મી ઓગસ્ટથી આ પાંચ ગામમાં આ કામગીરીનો આરંભ કરવામાં આવશે. ડ્રોનથી સર્વેની કામગીરી માટે ગામમાં ગામ સભા પણ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોની રહેણાંક જમીનનું માપન ડ્રોન ટેક્નોલોજી દ્વારા કરવામાં આવશે.
ડ્રોનથી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા મિલકતનો ડિજિટલ મેપ કરવામાં આવશે
ગામતળમાં આવતી દરેક મિલકતને ડ્રોનથી સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડિજિટલ મેપ કરવામાં આવશે. દરેક ઘરના પ્રોપર્ટી કાર્ડ સચોટ માપનના આધારે બનાવવામાં આવશે. આ કામગીરી દરમિયાન ખાનગી મકાનો, છાપરાઓ અને ખુલ્લી જગ્યાઓ પર ચૂનો લગાવવામાં આવશે. આ યોજના થકી ગ્રામીણ નાગરિકોને સંપત્તિના માલિકને માલિકીના હક્કો મળશે. માલિકી ગ્રામજનોને તેમની સંપત્તિના આર્થિક ઉપયોગ માટે લોન લેવામાં સક્ષમ બનાવશે. ગામના રહેણાંક વિસ્તારના રેકોર્ડ પંચાયતોને પુરા પાડવામાં આવશે. સ્પષ્ટ આકારણી અને મિલકતની માલિકીના નિર્ધારને કારણે તેમનું મૂલ્ય પણ વધશે.
આ પણ વાંચો- PM મોદી આજે સ્વામિત્વ યોજનાના પ્રૉપટી કાર્ડ લૉન્ચ કર્યું, 763 ગામોને મળ્યો લાભ
ગ્રામીણ નાગરિકોને વધુ સારી સુવિધા પૂરી પાડી શકાશે
આ યોજના થકી પંચાયતો દ્વારા સંપત્તિને કરવેરા હેઠળ લાવવા અને કર વસૂલવાનું શક્ય બનશે. આ આવકથી પંચાયતો ગ્રામીણ નાગરિકોને વધુ સારી સુવિધા પૂરી પાડી શકશે. ડ્રોનના ઉપયોગથી સચોટ નકશા અને ગામના રેકોર્ડ ગ્રામ પંચાયત પાસે ઉપલબ્ધ થશે. આ રેકાર્ડનો ઉપયોગ પુનપ્રાપ્તિ, મકાન બાંધકામ માટેની પરવાનગી આપવા, ગેરકાયદેસર વ્યવસાયને દૂર કરવા વગેરે માટે થઇ શકશે.