- રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક રાહત
- છેલ્લા 24 કલાકમાં 12,978 પોઝિટિવ કેસ નોંધાયા
- 11,146 દર્દીઓએ કોરોનાને માત આપી
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જોકે, છેલ્લા 2 દિવસમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,978 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે રવિવારે 11,146 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 152 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે અમદાવાદમાં આજે રવિવારે કોરોનાના નવા 4683 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 3510 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે સુરતમાં 1494, રાજકોટમાં 401 અને વડોદરામાં 523 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 74.05 ટકા નોંધાયો છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 10,180 કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા
રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલાનું રસીકરણ થયું
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 98,73,963 વ્યક્તિઓના પ્રથમ ડોઝનું અને 25,57,402 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 1,24,31,368ને રસીકરણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના યુવાનોને રસી આપવાનો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે આજે રવિવારે ગુજરાત રાજ્યમાં ફક્ત 10 જિલ્લાની અંદર જ રસીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આજે રવિવારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 25,712 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 1,46,818 એક્ટિવ કેસ છે. જેમાં 722 વેન્ટિલેટર પર અને 1,46,696 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 7508 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,40, 276 દર્દીઓએ કોરોનાને માત આપી છે.