ગાંધીનગર રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે 11માં આંતરરાષ્ટ્રીય એશિયા કૃષિ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે આવનારા દિવસોમાં હવે દેશમાં ડેરીથી ક્રાંતિ આવશે અને ડ્રોનની મદદથી ખેતી કરતા ખેડૂતોને પણ આર્થિક બચત થશે.
ખેડૂતોને ખૂબ જ આર્થિક રીતે ફાયદો થશે કેન્દ્રીય પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ 11માં આંતરરાષ્ટ્રીય એશિયા કૃષિ એક્ઝિબિશન કાર્યક્રમને લઇને જણાવ્યું હતું કે ખેતીમાં હવે જે રીતની નવી ટેકનોલોજી આવી રહી છે તેનાથી ખેડૂતોને ખૂબ જ આર્થિક રીતે ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે પહેલા ખેતીમાં વપરાતા બિયારણના કોથળાના કોથળા ખેડૂતોએ ખરીદવા પડતા હતાં. પરંતુ હવે તેને બદલે નેનો ટેકનોલોજીની મદદથી એક બોટલમાં જ સમાવેશ થયો છે. આ ઉપરાંત ખેડૂતો ડ્રોનની મદદથી ખેતી કરશે તો આર્થિક રીતે અને શારીરિક રીતે પણ ખેડૂતોને ફાયદો થશે. ડ્રોનની મદદથી ખૂબ જ ઓછા સમયમાં સારી રીતે ખેતી થઈ શકશે.
લમ્પીના કેસમાં ઘટાડો કેન્દ્રીય પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાતમાં લમ્પી વાયરસના પ્રથમ કેસ દેખાયા હતાં. પરંતુ હવે અનેક રાજ્યોમાં આ કેસ જોવા મળી રહ્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 17 જિલ્લામાં લમ્પી વાયરસથી એક પણ પશુઓના મૃત્યુ નીપજ્યા નથી. જ્યારે સરકાર દ્વારા પણ આ વાયરસ કંટ્રોલમાં આવે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે જગ્યાએ લમ્પીના કેસ હતાં તે તમામ રાજ્યોમાં અને જિલ્લાઓમાં અમે રૂબરૂ જઈને અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે.
દેશમાં હવે ડેરી ક્રાંતિ આવશે પુરુષોત્તમ રૂપાલાએ ડેરીની કામગીરી બાબતમાં એમ પણ જણાવ્યું કે સમગ્ર દેશ અને વિશ્વમાં અમૂલ ડેરીનું નામ વધી રહ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક દેશો અને તમામ વિશ્વ કોરોના સામે લડી રહ્યું હતું ત્યારે ભારતે સ્વદેશી વેક્સિનની શોધ કરીને દેશને બચાવ્યો છે. હવે દેશમાં ડેરીનો વિકાસ થઈ રહ્યો છે અને દેશમાં ડેરી ક્રાંતિ પણ આવશે.
કોઈનું અપમૃત્યુ થાય એ યોગ્ય નથી રાજ્યમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી ગયો છે અને રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ પણ પસાર કર્યું હતું. પરંતુ વિરોધને લઈને તે અત્યારે અમલી થયું નથી. છેલ્લા કેટલાય દિવસોમાં રખડતા ઢોરોના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે અથવા તો ઈજા પણ થઈ છે. ત્યારે આ બાબતના પ્રશ્નમાં કેન્દ્રીય પશુપાલન પ્રધાને પ્રતિક્રિયા આપી હતી કે દેશમાં અને રાજ્યમાં કોઈ પણ વ્યક્તિનું અપમૃત્યુ આવી રીતે થાય તે યોગ્ય નથી. સરકાર પગલાં લઈ રહી છે.