વલસાડ: જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અનેક ઉદ્યોગોમાં મોંઘા કેમિકલની મોટી ડિમાન્ડ હોય છે. આ વિસ્તારમાં કેમિકલ ચોરીનું પણ ખૂબ મોટું કૌભાંડ ચાલે છે. આવા જ એક કેમિકલ ચોરીના કૌભાંડનો ડુંગરા પોલીસે પર્દાફાશ કરી 4 લોકોની ધરપકડ કરી છે.
આ અંગે ડુંગરા પોલીસમાંથી મળતી વિગત મુજબ ડુંગરા વિસ્તારમાં કરવડ ગામની હદમાં પોતાની જમીન ધરાવતા ધનસુખ પટેલ, તેમનો ભાણેજ કેતન પટેલ અને સાગરીતો મનોજ કનોજીયા, મંજુર અલી ઉર્ફે કપ્તાન મોહંમદ હનીફ, ટ્રક ડ્રાઈવર ભૂષણ સિંગ ઉર્ફે બિપિન રાજપૂત અને હબીબુલ્લા સેન્ટિ સમીઉલ્લાહ ચૌધરી કેમિકલ ટેન્કરમાંથી ટેન્કરના વાલ્વના શીલને તોડ્યા વગર જ તેના તાર તૂટે નહીં, તે રીતે તેમાંથી કેમિકલ ચોરતા હોવાની બાતમી મળતા રેડ કરી હતી. આ સમયે પોલીસને જોઈ ડ્રાઈવર ભૂષણ સિંગ રાજપૂત અને હબીબુલ્લા ચૌધરી ફરાર થઈ ગયા હતાં, જ્યારે બાકીના 4 ઇસમોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે સ્થળ પરથી 4 ડ્રમ કબ્જે કર્યા હતા. જેમાંથી 28,941 રૂપિયાનું ચોરીનું કેમિકલ કબ્જે કર્યું કર્યું છે. આ અંગે વધુ પુછપરછ કરતાં અને કેમિકલ મોકલનારા કૈલાશ ટ્રાન્સપોર્ટ કંપનીના સુપરવાઝરે લખાવેલી ફરિયાદ મુજબ આ કેમિકલ ભરૂચ દહેજની BASF ઈન્ડિયા લિમિટેડ કંપનીમાંથી સેલવાસની હિન્દુસ્તાન લીવર લિમિટેડમાં મોકલવામાં આવતું હતું. જેને કિલોગ્રામ દીઠ 71.46 રૂપિયા લેખે 17,40,692 રૂપિયા અને GSTના 18 ટકા લેખે 3,13,324ના બિલ સાથે રવાના કર્યું હતું. જેને સેલવાસની કંપનીમાં પહોંચાડવાને બદલે ડ્રાઈવર ભૂષણ સિંગ રાજપુતે અને હબીબુલ્લાએ ધનસુખ પટેલની જમીનમાં લાવી કેમિકલને અન્ય ડ્રમમાં ખાલી કરી લીધું હતું. જો કે, આ કેમિકલ માફિયાઓ વધુ કેમિકલ ચોરે તે પહેલાં જ 6 માંથી 4 ઈસમોને પોલીસે દબોચી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, પોલીસે કેમિકલ સાથે જે 4 ઇસમોની ઝડપી પાડ્યા છે. તેના કબ્જામાથી TEXAPON N 701 GT નામના 28,941 રૂપિયાની કિંતના કેમિકલનો 405 કિલોગ્રામનો જથ્થો પણ કબ્જે કર્યો હતો. આરોપી વિરુદ્ધ છેતરપીંડી, વિશ્વાસઘાત, ઠગાઈની કલમો લગાવી 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને ઝડપાયેલા 4 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.