- સ્વ. સાંસદ ડેલકરની આત્મહત્યા અંગે નિષ્પક્ષ તપાસ કરવા આવેદનપત્ર
- નારગોલ ભંડારી સમાજે પાઠવ્યું આવેદનપત્ર
- આદિવાસી સમાજે પણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
વલસાડ: અપક્ષ સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા પ્રકરણમાં નિષ્પક્ષ તપાસ થાય તે માટે ઉમરગામ તાલુકાના સમસ્ત ધોડિયા સમાજ, સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય, યુવા શક્તિ સંગઠન દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેદ્ર મોદી અને મુખ્યપ્રધાન મહારાષ્ટ્રને ઉદ્દેશીને સોમવારે ઉમરગામ તાલુકા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
16 પાનાની સ્યુસાઈડ નોટ મળી
દાદરા અને નગર હવેલીના આદિવાસી સમાજના 7 ટર્મના લોકપ્રિય સાંસદ સ્વ. મોહનભાઇ ડેલકરે ગત 22 ફેબ્રુઆરીએ મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે આત્મહત્યા કરી હતી. સાંસદે તેમના હસ્તાક્ષરમાં લખેલી લગભગ 16 પાનાની સ્યુસાઈડ નોટ મળી હતી અને જે સ્યુસાઈડ નોટને લઇ મહારાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન દ્વારા પ્રેસવાર્તામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, પ્રશાસનિક અધિકારીઓની ખોટી કનડગત કરવાના કારણે જીવનનો અંત લાવું છું.
સ્યુસાઇડ નોટમાં 10થી વધુ લોકોના નામ
ડેલકરે લગભગ 10થી વધુ લોકોના નામ સ્યુસાઈડ નોટમાં લખેલા છે. આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી ભારત દેશના આદિવાસી સમાજ અને સાંસદ સ્વ. મોહનભાઇ ડેલકરના પરિવારને ન્યાય અપાવશે તેવું જણાવ્યું હતું, ત્યારે તે અંગે નિષ્પક્ષ તપાસ થાય અને દોષીઓને સજા થાય તે માટે ઉમરગામના આદિવાસી સમાજના મિતેશ પટેલની આગેવાની હેઠળ ઉમરગામ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આત્મહત્યા પ્રકરણમાં યોગ્ય તપાસની માગ
આ સાથે ભંડારી સમાજ નારગોલ દ્વારા પણ સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા પ્રકરણની યોગ્ય તપાસ કરીને ન્યાય માટે ભારતના રાષ્ટ્રપતિને આવેદન પત્ર મોકલવામાં આવ્યું છે. ભંડારી સમાજ નારગોલ દ્વારા પ્રમુખ યતીન ભંડારીની આગેવાની હેઠળ મોહન ડેલકર આત્મહત્યા પ્રકરણની યોગ્ય તપાસની માગ કરતું આવેદનપત્ર સોમવારે ઉમરગામ મામલતદારને સોપવામાં આવ્યું હતું.
ડેલકર સ્થાનિક સમાજમાં લોકપ્રિય નેતા હતા
આવેદનપત્રમાં જણાવ્યુ હતું કે, દાદરા અને નગરહવેલીના સાંસદ તેમજ દક્ષિણ ગુજરાતના સ્થાનિક સમાજોના લોકપ્રિય નેતા સદગત મોહન ડેલકરે ગત 22 ફેબ્રુઆરીએ મુંબઈ ખાતે આત્માહત્યા કરી હતી. આ ઘટનાના કારણે સમસ્ત આદિવાસી સમાજમાં અત્યંત દુ:ખની લાગણી પ્રસરી છે. મોહન ડેલકર તેમજ તેમના સમાજ સાથે ભંડારી સમાજ નારગોલ પારિવારિક સંબંધ ધરાવતા આવ્યા છે.
રાષ્ટ્રપતિ, વડાપ્રધાનને ઉદ્દેશીને આપ્યું આવેદનપત્ર
બાહોશ અને નીડર નેતા અચાનક આવું પગલું ભરે તે વાત કોઈના ગળે ઊતરતી નથી. આ ઘટના આત્મહત્યા છે કે, પછી હત્યા તે અંગે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. જેથી આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરી ઝડપી ન્યાય મળવો જરૂરી છે.