દમણઃ જિલ્લા ભાજપ અધ્યક્ષ અસ્પી દમણિયાની આગેવાનીમાં ઉકાળા સેવન અને તેને બનાવવાની રીતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે અસ્પી દમણિયાએ જણાવ્યુ કે, વિશ્વને પોતાના સકંજામાં લેનાર કોરોના મહામારીનો હજુ સુધી કોઈ ઈલાજ શોધાયો નથી. પરંતુ વિવિધ આયુર્વેદિક ઔષધિથી તૈયાર કરાતો ઉકાળો આ રોગ સામે રક્ષણ કવચ સાબિત થયો છે. ત્યારે, લોકો તેનું સેવન કરે, તેને ઘરે જ તૈયાર કરી શકે તે માટે માર્ગદર્શન મેળવી શકે તેવા શુભ વિચારથી આ આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના મહામારીમાં લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે મહામારીની સામે ડરવાને બદલે આવા ઉકાળાનું સેવન કરી તંદુરસ્ત રહે તે અતિ આવશ્યક છે. શુક્રવારે દમણમાં યોજાયેલ ઉકાળા સેવન કેમ્પમાં 400 કપ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કેમ્પમાં ઉકાળા બનાવવાની વિવિધ રીતના જાણકાર સુનિતાબેને લોકોને ઉકાળા બનાવવા અંગેની રીતનું વર્ણન કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. જે માટે સૂંઠ, હળદર, ફુદીનો, તુલસી, લીંબુ, આદુ, દાલચીની, મીઠું, લીલી ચા, ગોળ વગેરેથી કેવી રીતે ઉકાળો બનાવી શકાય તેની વિગતો વર્ણવી હતી. જેને શહેરીજનોએ આતુરતા પૂર્વક સાંભળી અને જોઈ હતી.