દમણઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના કલેક્ટર સંદીપ કુમાર સિંઘે સોશિયલ મીડિયામાં પોતાનો એક વીડિયો શેર કરી કોરોના અપડેટ અંગે વિગતો આપી હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં જેટલા પણ કોરોના શંકાસ્પદ કેસ હતાં તેઓના સેમ્પલ લેબમાં મોકલ્વામાં આવ્યા હતાં. જે તમામ નેગેટિવ આવ્યાં હતા.
વિજય રાઠોડ નામના વ્યક્તિએ વિનોબા ભાવે હોસ્પિટલમાં આવી જણાવ્યું હતું કે, તેમની તબિયત ખરાબ છે. એટલે આરોગ્ય વિભાગે તેની જરૂરી ચકાસણી કરી તેને મુંબઈ હોસ્પિટલમાં મોકલ્યો હતો. જ્યાં તેના સેમ્પલ પણ લેવામાં આવ્યાં હતાં. જે સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જેને પ્રશાસને તાત્કાલિક નરોલી અને ધાપસા ગામને લોકડાઉન કરી વિજયના સંપર્કમાં આવેલા લોકોને વિનોબા ભાવે હોસ્પિટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા બંને ગામને સંપૂર્ણ લોકડાઉન કર્યું છે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, ગામમાં માત્ર જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ લઈને જનારને જ પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત લોકો ગભરાય નહિ, જે દર્દીનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. તેની મુંબઈમાં સારવાર ચાલે છે અને તે સ્વસ્થ હોવાનું પણ કલેક્ટરે જણાવ્યું હતું.
વિજય રાઠોડ 20મી માર્ચે નરોલીમાં આવ્યો હતો. જે બાદ તેની તબિયત થોડી નરમ રહેતી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન તે તેમના ગામ નરોલી અને ભિલાડના મળીને 25 જેટલા લોકોને મળ્યો હતો. જેને લઈને તંત્રએ હાલ એ તમામ લોકોની શોધખોળ કરી તેઓના આરોગ્યની ચકાસણી કરી ક્વોરેન્ટાઇનમાં રાખવાની કામગીરી હાથ ધરી છે.