- રોજ OPD, ICU અને કોવિડ વોર્ડમાં કરવું પડે છે રૂટિન ચેકઅપ
- દર્દીઓ સાથે કાઉન્સેલિંગ કરી રોગ સામે લડવા મજબૂત બનાવવા પડે છે
- ઘણા દર્દીઓમાં રહેલો આત્મવિશ્વાસ તેની સારવાર બાદ યાદ રહી જાય છે
વાપી: કોવિડ વોર્ડમાં દર્દીઓની સારવાર સાથે ઘર-પરિવાર અને પોતાના શરીરની પણ કાળજી રાખવી દરેક તબીબ માટે મહત્વનું છે. આ અંગે વાપીમાં શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલના ફિઝિશિયન ડૉ. ગજેન્દ્ર બલાતે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં તેમણે પોતાના પરિવાર સાથેના અનેક પ્રસંગો ઘરે જ ઉજવ્યા છે.
હળવી કસરતો, મેડિટેશન કરી મનને સ્વસ્થ રાખે છે
રોજ સવારે ઘરે વહેલા ઉઠી હોસ્પિટલ આવે છે. હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં દર્દીઓનું રૂટિન ચેકઅપ કરવું. ત્યાર બાદ ICU, OPDમાં દર્દીઓને ચેકઅપ કરવા એ નિત્ય ક્રમ છે. એ જ રીતે સાંજે ફરી વોર્ડમાં રૂટિન ચેક અપ કરીને જ ઘરે જાય છે. દરરોજ ઘરે આવ્યાં બાદ ફ્રેશ થઈ પરિવાર સાથે ડિનર કરે છે. થોડું વોકિંગ કરી હળવી કસરતો, મેડિટેશન કરી શરીરને સ્વસ્થ રાખે છે.
આ પણ વાંચો: લ્યો, હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને દાખલ કરવા માટે પણ કાળા બજારી
પોઝિટિવ એટિટ્યુડ રાખી સારવાર કરવી પડે છે
હોસ્પિટલમાં ફરજ દરમિયાન OPDમાં આવતા પેશન્ટ સાથે કાઉન્સેલિંગ કરવું અગત્યનું છે. મોટાભાગના દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગભરાઈ જતા હોય છે. એટલે તેની સાથે સારો વ્યવહાર કરી તેને સમજાવવા અત્યંત જરૂરી હોય છે. ઘણા દર્દીઓ આવા સમયમાં ડિપ્રેશનનો ભોગ બને છે. કેટલાક માનસિક હતાશામાં હોય છે. જેમને માટે પોઝિટિવ એટિટ્યુડ રાખી સારવાર કરવી પડે છે.
દર્દીઓના સ્માઇલિંગ ફેસ, આત્મવિશ્વાસ હંમેશા યાદગાર રહે છે
આવા જ અનેક દર્દીઓમાં કેટલાક એવા પ્રસંગો પણ બને છે જે યાદગાર હોય છે. એ અંગે ડૉ. ગજેન્દ્ર બલાતે જણાવ્યું હતું કે, એક 85 વર્ષના વડીલ કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં. તે વડીલની એક મહિનો સારવાર ચાલી પણ તેઓ ક્યારેય ઉદાસ નહોતા થયા. વેન્ટિલેટર પર હોવા છતાં હંમેશા સારવારમાં સંપૂર્ણ સહકાર આપ્યો. એનો સ્માઇલિંગ ફેસ યાદગાર રહ્યો છે. તો, એક દર્દી એવા પણ હતાં જે ફેફસાના ગંભીર રોગથી પીડાતા હતા. સીરીયસ હોવા છતાં પોતાની હિંમત નહોતા હાર્યા અને એક મહિને સાજા થઈને ગયા હતાં. ત્યારે ખૂબ હર્ષની લાગણી અનુભવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 1,574 નર્સિંગ સ્ટાફ સતત દર્દીઓની સેવામાં તહેનાત
દર્દીઓ સાથે જન્મદિવસ, એનિવર્સરી ઉજવે છે
કોવિડ વોર્ડમાં ક્યારેક દર્દીઓ સાથે જ નાની-મોટી ખુશીની ઉજવણી અંગે ડૉ. બલાતે જણાવ્યું હતું કે, કોઈ દર્દીનો જન્મ દિવસ હોય કે એનિવર્સરી હોય ત્યારે તેમની ખુશીમાં સહભાગી થઈએ છીએ. તેમને સતત હૂંફ મળે તેવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે એમાંથી જ ઘણા દર્દીઓ સાજા થયા બાદ મોબાઈલ નંબર લઈને જાય છે. વારે-તહેવારે કોલ કરે છે. એ ઉપરાંત તબિયત અંગે માર્ગદર્શન મેળવતા રહે છે. તેમના કોઈ મિત્ર, સગા-સંબંધીને કોઈ બીમારી થાય તો અમારી પાસે મોકલી અમારી ભલામણ કરે છે. એટલે એવા અનેક યાદગાર પ્રસંગો છે. જેમાં દર્દીઓ સાજા થયા બાદ બીજા દર્દીઓને પણ પોતાની પાસે જ મોકલે છે.
સારો વ્યવહાર બીજા દર્દીઓને સારવાર માટે લઈ આવે છે
શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે 80 જેટલા બેડ છે. સેન્ટ્રલ ઓક્સિજનની સુવિધા સાથે અહીં 15 ICU બેડ છે. 12 વેન્ટિલેટર બેડ છે. એ ઉપરાંત ડાયાલીસીસ બેડ છે. જેમાં કોરોના પેશન્ટને ડાયાલિસિસની જરૂર પડે તો તે સુવિધા પૂરી પાડે છે. રોજના 80 દર્દીઓમાંથી ઘણા દર્દીઓ ડિસ્ચાર્જ થાય છે. એટલે સારવારમાંથી કોરોનાના પ્રથમ અને બીજા વેવમાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓને સાજા કર્યા છે. જેની કોઈ ચોક્કસ સંખ્યા યાદ નથી પણ ખુશી છે કે અમે વધુને વધુ દર્દીઓને સાજા કર્યા છે.