- મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરોમાં શિવભક્તોની ભીડ
- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કર્યા મહાદેવના દર્શન
- પાઇપલાઇન દ્વારા ભક્તોએ કર્યો જળાભિષેકકોરોના ગાઈડલાઈનના કારણે શિવભક્તોએ પાઇપલાઇન મારફતે કર્યો શિવ પર જળાભિષેક
વલસાડ : દેવાધિદેવ મહાદેવનું પર્વ એટલે મહાશિવરાત્રી ભાંગ, ભજન અને ભક્તિના આ પર્વ નિમિત્તે વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં અને દાદરાનગર હવેલી, દમણમાં આવેલા શિવાલયોમાં વહેલી સવારથી જ હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો છે. જોકે આ વખતે કોરોના ગાઈડલાઈનને કારણે ગણતરીના પ્રસિદ્ધ મહાદેવ મંદિરમાં જ દર્શનનો અને જળાભિષેકનો લાભ શિવભક્તોને મળ્યો છે. વાપીમાં પણ સૌથી જુના સિદ્ધનાથ મહાદેવ મંદિરે દર્શનની મંજૂરી મળી હોય શિવભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે પાઇપલાઇન દ્વારા શિવને જળાભિષેક કર્યો હતો.
![શિવ પર જળાભિષેક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-corona-shiv-pooja-avbb-gj10020_11032021124136_1103f_1615446696_664.jpg)
શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો
મહાશિવરાત્રી પર્વને લઇને વલસાડ જિલ્લાના તમામ શિવાલયોમાં અને સંઘપ્રદેશના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો છે. વાપીમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પણ 5 વાગ્યાથી ભોળાનાથના ભક્તો દર્શન માટે કતારમાં ઉભા રહ્યા હતા. સિદ્ધનાથ મહાદેવ મંદિર વાપીનું પ્રસિદ્ધ મંદિર હોય મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વહેલી સવારથી જ દર્શનાર્થીઓ માટેની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી છે.
![શિવ પર જળાભિષેક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-corona-shiv-pooja-avbb-gj10020_11032021124136_1103f_1615446696_228.jpg)
વાપીના પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવે ભક્તો દર્શને ઉમટ્યા
જે અંગે પૂજારી મનોજ ભટ્ટે જણાવ્યું હતું કે, સિદ્ધનાથ મહાદેવ મંદિરે પ્રથમ વખત કોરોના ગાઈડલાઈનને કારણે શિભક્તોને ગર્ભગૃહમાં જઈ જળાભિષેક કરવાની મનાઈ ફરમાવી છે. ભક્તો માટે વિશેષ પાઈપલાઈનની વ્યવસ્થા કરી દૂધનો જળાભિષેક કરાવવામાં આવી રહ્યો છે. મંદિરમાં શિવભક્તોની લાંબી કતારો લાગી છે. તમામ માટે પ્રવેશદ્વાર પર માસ્ક ફરજિયાત, સેનિટાઇઝર, હાથ- પગ ધોવા માટે પાણીની વ્યવસ્થા ઉપરાંત સ્વયંસેવકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.
![શિવભક્તો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-corona-shiv-pooja-avbb-gj10020_11032021124136_1103f_1615446696_487.jpg)
ભક્તોએ મહાદેવને દૂધ અને જળનો અભિષેક કર્યો
મંદિર પ્રાગણમાં શિવભક્તોની લાંબી કતારો લાગી છે. શિવ ભક્તોએ ભોળાનાથના શિવલિંગ પર પાઈપલાઈનની વ્યવસ્થા મારફતે દૂધ અને જળનો અભિષેક કર્યો હતો. તો બિલિપત્ર, કમળના પુષ્પો ચડાવી શીશ ઝુકાવી દાદાના આશીર્વાદ કાયમ તેમના અને તેમના પરિવાર પર રહે તેવી મનોકામના કરી હતી. સિદ્ધનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વિશેષ પૂજા અને ઘીના કમળ, મહાપ્રસાદના આયોજનો થાય છે. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહેતા હોય છે.
![શિવભક્તો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-corona-shiv-pooja-avbb-gj10020_11032021124136_1103f_1615446696_746.jpg)
આ પણ વાંચો : શિવે ધારણ કરેલા આઠ પ્રતિકોનું ધાર્મિક મહત્ત્વ