- દમણમાં પેટ્રોલનો ભાવ 100.48 રૂપિયા
- ડિઝાલનો ભાવ દમણમાં 95.09 રૂપિયા
- વાપીમાં પ્રીમિયમ પેટ્રોલ 99.34 રૂપિયા
- વાપીમાં ડિઝાલનો લિટરનો ભાવ 97.81 રૂપિયા
દમણ: કેન્દ્રશાસિત દમણમાં 16મી જુલાઈના એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલનો ભાવ 100.48 પ્રતિ લીટર થયો છે. જ્યારે રેગ્યુલર પેટ્રોલનો ભાવ 96.58 રૂપિયા પ્રતિ લીટર થયો છે. ડિઝલનો ભાવ દમણમાં 95.09 રૂપિયા પ્રતિ લીટર થયો છે. તો, વાપીમાં પ્રીમિયમ પેટ્રોલ 99.34 રૂપિયા અને ડિઝલનો લીટરનો ભાવ 97.81 રૂપિયા થયો છે.
એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલનો ભાવ અધધ કહી શકાય તેવો 100.48 રૂપિયા પ્રતિ લીટર થયો
સંઘપ્રદેશ દમણમાં પેટ્રોલનો ભાવ જે 1લી જુલાઈના 94.01 હતો. તેમાં છેલ્લા 15 દિવસમાં 2.66 ટકાનો વધારો નોંધાતા 16મી જુલાઈએ પેટ્રોલનો ભાવ 96.58 રૂપિયા લીટર થયો છે. એ જ રીતે ડીઝલનો ભાવ જે પહેલી જુલાઈએ 94.36 રૂપિયા હતો. તેમાં છેલ્લા 15 દિવસમાં 0.77 ટકાનો વધારો થતા 16મી જુલાઈના દમણમાં ડીઝલનો ભાવ 95.09 રૂપિયા થયો હતો. એક્સ્ટ્રા પ્રીમિયમ પેટ્રોલનો ભાવ અધધ કહી શકાય તેવો 100.48 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
દાદરા નગર હવેલીમાં પેટ્રોલ 96.64 રૂપિયા, ડીઝલ 95.15 રૂપિયા પ્રતિ લીટર
જેની સરખામણીએ વલસાડ જિલ્લામાં રેગ્યુલર પેટ્રોલનો ભાવ 99.10 રૂપિયાથી 99.57 રૂપિયા પ્રતિ લીટર થયો છે. વાપીમાં પ્રીમિયમ પેટ્રોલ 99.34 રૂપિયા, ડિઝલનો લીટરનો ભાવ 97.81 રૂપિયા થયો છે. દાદરા નગર હવેલીમાં પેટ્રોલ 96.64 રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ 95.15 રૂપિયા પ્રતિ લીટર થયો છે.
ક્રૂડના ભાવમાં ઘટાડો છતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો
એક તરફ ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડનો ભાવ પહેલી જુલાઈએ 75.23 ડોલર હતો, જે 15 દિવસમાં 3 ડોલર ઘટીને 16મી જુલાઈએ 72 ડોલર રહ્યો હતો. જો કે, ક્રૂડના ભાવમાં ઘટાડો થવા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વધારો જ નોંધાયો છે. દરરોજ ધીરે ધીરે વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ દેશની જનતા માટે એક રીતે ધીમા ઝેર સમાન બની રહ્યા છે. પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવથી જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. દરેક ચીજ વસ્તુઓ મોંધીદાટ બનતા જીવન નિવૉહ કેવી રીતે કરવું તે પણ એક સમસ્યા બની રહી છે.
સરકારે પેટ્રોલ ડીઝલના વિકલ્પ રૂપે ઈથેનોલના વેચાણનો નવો રાગ છેડયો
રોજે રોજ પેટ્રોલ ડીઝલની નાનકડી રકમનો વધારો ઘરનું બજેટ ખોરવવામાં મોટો સિંહફાળો આપી રહ્યું છે. જો કે, ખનીજ તેલના ભાવ વધારાને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગયેલી સરકારે હવે પેટ્રોલ- ડીઝલના વિકલ્પ રૂપે ઇથેનોલના વેચાણનો નવો રાગ છેડ્યો છે, સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ પેટ્રોલ જો 100 રૂપિયાથી વધુ છે તો, ઈથેનોલ ગ્રાહકોને ફક્ત 60-65 રૂપિયા પ્રતિ લીટર મળશે. ઉપરથી ઇથેનોલ ગ્રીન ફ્યુઅલ હોવાથી પ્રદૂષણમાં ઘટાડો પણ થશે. એટલે આવનારા દિવસોમાં પેટ્રોલ પમ્પો પર વાહન ચાલકોને પેટ્રોલ ડીઝલ સાથે ઇથેનોલનો એક વધારાનો સસ્તો વિકલ્પ પણ મળે તો નવાઈ નહિ પામતા.