દમણ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવને ગ્રીન ઝોન જાહેર કર્યા બાદ સોમવારે મોડી સાંજથી દમણના આબકારી આયુક્ત ડૉ.રાકેશ મીનહાસે હુકમ જાહેર કરી દમણમાં છૂટક અને જથ્થાબંધ દારૂના વેપારીઓને બંધ બોટલમાં દારૂ વેચવાની છૂટ આપી છે. જેને કારણે મંગળવારથી સંઘપ્રદેશની વાઇન શોપ પર દારૂના શોખીનોની ભીડ જોવા મળી રહી છે.
પ્રશાસને નિર્ધારિત વિસ્તારોમાં દારૂના વિક્રેતાઓને લોકડાઉનની શરતો મુજબ દારૂ વેચવાની છૂટ આપી. જેમાં સોશિયલ ડિસ્ટેન્સ હેઠળ 2 ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું અંતર અને સંઘપ્રદેશની સરહદથી 200 મીટર સુધી અંદરના વિસ્તારમાં આ વેચાણ કરવાની છૂટ અપાય છે. આ સાથે જ માસ્ક વિના આવનારા કોઈ પણ વ્યક્તિને દારૂનું વેચાણ નહીં કરવા તથા સેનિટાઇઝરનો ઉપયોગ કરી સંપૂર્ણ સાવચેતી રાખવા અંગે કહેવામાં આવ્યું છે.
આ હુકમ બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 11 વાઇન શોપ અને દમણની 5 જેટલી વાઇન શોપ પર લોકોની ભીડ જોવા મળી હતી. 40 દિવસથી દારૂની દુકાનો બંધ રહેતા દારૂના રસિયાઓમાં શરાબની તાલાવેલી જાગી હતી. જેનો હવે અંત આવવાની ખુશીમાં લોકો દારૂની દુકાને દારૂ લેવા પહોંચ્યા હતા.
તંત્ર દ્વારા સવારના 8થી સાંજના 4 વાગ્યા દરમિયાન દમણ, દાદરાનગર હવેલીમાં ઓટો તથા ટેક્સી, પાર્લર અને સલૂનને ખોલવાની છૂટ આપવામા આવી છે, જ્યારે વાઇન શોપ સવારે 9થી સાંજે 4 દરમિયાન ચાલુ કરવા માટે છૂટછાટ આપવામાં આવી છે. જો કે, બસ, પાનના ગલ્લા, બાર એન્ડ રેસ્ટોરન્ટ હજૂ પણ બંધ રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે.