દમણ: દેશમાં અનલોક જાહેર કર્યા બાદ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં માત્ર ઇ-પાસ અને ઇમરજન્સી સેવા માટે જ લોકો અવર-જવર કરી શકતા હતા. જો કે, સંઘપ્રદેશ પ્રશાસને સોમવારે એક અખબારી યાદી દ્વારા જણાવ્યું છે કે, હવે સંઘપ્રદેશમાં પ્રવેશ માટે કે બહાર જવા માટે કોઇપણ ઇ-પાસની જરૂરિયાત રહેશે નહીં. જેથી લોકો સરળતાથી ધંધા રોજગાર અર્થે આવી શકશે.
બીજી તરફ 5 મહિનાથી હોટલ વ્યવસાય મરણ પથારીએ પહોંચી ગયો હતો. જેને પણ પુન: જીવનદાન મળશે.
બે દિવસ અગાઉ જ ગૃહમંત્રાલયના સેક્રેટરીએ દરેક રાજ્યને પાઠવેલા પત્રમાં કોઇપણ રાજ્ય પોતાની સીમા ઉપર લોકોની અવરજવર બંધ રાખી શકશે નહીં એવા આદેશ કર્યા હતા. આ પત્રના સંદર્ભમાં સંઘપ્રદેશની બોર્ડર ખોલવા માટે માગ કરવામાં આવી હતી. જેથી મંગળવારથી ત્રણેય સંઘપ્રદેશમાં લોકો હવે ઇ-પાસ વિના જ અવર-જવર કરી શકશે.