- મલ્હાર હોટેલના માલિક અને મેનેજરને PASA હેઠળ જેલ
- ગેરકાયદેસર દારૂને લઈ સેલવાસ પોલીસે કરી કાર્યવાહી
- ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા હતાં
સેલવાસઃ કેન્દ્રશાસિત પ્રદેશમાં ગેરકાનૂની પ્રવૃત્તિ પર રોક લાગે, ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારા ઇસમોમાં કાયદાનો ડર રહે તેવા આશયથી સેલવાસમાં હોટેલ ધરાવતા અને બુટલેગરીનું કામ કરતા હોટેલ માલિક અને તેના મેનેજર વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવતા સંઘપ્રદેશમાં ખળભળાટ મચી ગયો છે.
ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સઘન ઝુંબેશ
આ અંગે પ્રશાસન દ્વારા જાહેર કરેલી યાદી મુજબ સેલવાસના 2 બુટલેગરો ઇન્દ્રજિતસિંહ પરમાર અને રાહુલ સાહનીને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યાં છે. જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિઓને અટકાવવા દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ગેરકાયદે સંગ્રહિત દારૂ શોધી દારૂનો સંગ્રહ કરનારા અને ગેરકાયદેસર રીતે સંઘપ્રદેશ બહાર ગુજરાતમાં વેંચતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસે હોટેલમાં દરોડો પાડી કાર્યવાહી કરી
જે અંતર્ગત પોલીસે સેલવાસની મલ્હાર હોટેલના માલિક અને અખિલ દાદરા એન્ડ નગર હવેલી કામદાર સંઘના જનરલ સેક્રેટરી ઇન્દ્રજીતસિંહ પરમારની હોટેલમાં દરોડો પડ્યો હતો. જેમાં દારૂના વેંચાણના રેકર્ડ અને સંગ્રહ કરેલા દારૂના જથ્થા અંગે એક્સાઇઝ વિભાગની ટીમ સાથે સઘન તપાસ કરતા અપ્રમાણસર દારૂના ખરીદ વેંચાણની ગોબાચારી સામે આવી હતી.
સેલવાસ ખાતે જેલમાં ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી
દાદરા નગર હવેલી પોલીસે હોટેલ માલિક ઇન્દ્રજીત સિંહ પરમારની પૂછપરછમાં હોટેલમાં રાહુલ સહાની નામના ઇસમને ખાસ બુટલેગરી કરવા હોટેલમાં નોકરીએ રાખ્યો હોવાની વિગતો પણ બહાર આવી હતી. તેમજ દારૂની ગેરકાયદેસર હેરાફેરી મામલે ગુજરાતમાં પણ 7 કેસ સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય શનિવારે હોટલ મલ્હારના મેનેજર રાહુુુલ સહાની સહિત બંને ઈસમોની PASA એક્ટ હેેઠળ ધરપકડ કરી સબ જેલ, સેલવાસ ખાતે જેલમાં ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરતા સેલવાસમાં ખળભળાટ મચી ગયો છે.