- વાપી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના ઝૂંપડામાં આગ લાગી
- 30 ઝૂંપડામાં રોકડ રકમ સહિત ઘરવખરી ખાખ થઈ
- ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો વાપીમાં સફાઈ કર્મચારીઓના 30 ઝૂંપડામાં લાગી આગ
વાપી: વાપી નગરપાલિકા વિસ્તારના કચિગામ રોડ પર પાલિકાના 30 જેટલા સફાઈ કામદાર પરિવારોના ઝૂંપડાઓ આગમાં સ્વાહા થઈ ગયા છે. આગની ઘટના સમયે તમામ કામદારો સફાઈ કાર્ય માટે અલગ અલગ વિસ્તારમાં સફાઈ કરતા હતા એટલે જાનહાની ટળી છે. પરંતુ આગમાં ઘરવખરી અને ઘરમાં રાખેલી રોકડ રકમ સહિત તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ જતા ગરીબ કામદારો માટે ઉપર આભ અને નીચે જમીન જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.
![વાપીમાં સફાઈ કર્મચારીઓના 30 ઝૂંપડામાં લાગી આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-fire-in-huts-pkg-gj10020_03022021134943_0302f_01212_822.jpg)
આગના વિકરાળ સ્વરૂપે 30 ઝૂંપડાઓને રાખમાં ફેરવી નાખ્યા
વાપી કચિગામ રોડ પર વાપી નગરપાલિકામાં કોન્ટ્રાકટ પર કામ કરતા 200 સફાઈ કામદારો ઝુંપડા બાંધીને વસવાટ કરે છે. આ ઝૂંપડાઓમાં બુધવારે અચાનક આગ લાગી હતી. અને જોતજોતામાં આગના વિકરાળ સ્વરૂપે 30 ઝૂંપડાઓને રાખમાં ફેરવી નાખ્યા હતાં. આગની ઘટના સમયે સફાઈ કામદારો શહેરના અલગ અલગ વિસ્તારમાં સફાઈ કરવામાં વ્યસ્ત હોઈ જાનહાની ટળી હતી.
![વાપીમાં સફાઈ કર્મચારીઓના 30 ઝૂંપડામાં લાગી આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-fire-in-huts-pkg-gj10020_03022021134943_0302f_01212_274.jpg)
કોન્ટ્રાક્ટરે માત્ર સાંત્વના આપી
જોકે આગની ઘટના સમયે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા આગને તમામ 200 ઝૂંપડામાં પ્રસરતી અટકાવી કાબુ મેળવી લીધો હતો. કામદારોના જણાવ્યા મુજબ આગની ઘટના સમયે કોન્ટ્રાક્ટર સ્થળ પર આવી માત્ર સાંત્વના આપી જતો રહ્યો છે. જ્યારે નગરપાલિકાના કોઈ સત્તાધીશો ફરક્યા જ નથી.
![વાપીમાં સફાઈ કર્મચારીઓના 30 ઝૂંપડામાં લાગી આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-fire-in-huts-pkg-gj10020_03022021134943_0302f_01212_342.jpg)
પહેરેલા કપડાં સિવાય બધું ખાખ
આગની ઘટનામાં કામદારોએ ઝૂંપડામાં રાખેલા અનાજ, ઘરવખરી તમામ સ્વાહા થઈ ગયું છે. સાથે જ કોન્ટ્રાક્ટરે બે દિવસ અગાઉ પગાર ચૂકવ્યો હોઈ પગારની રોકડ રકમ હતી, થોડીઘણી બચતની રકમ હતી તે બધી જ સ્વાહા થઈ છે. હાલમાં પહેરેલા કપડાં સિવાય કંઈ બચ્યું નથી.
![વાપીમાં સફાઈ કર્મચારીઓના 30 ઝૂંપડામાં લાગી આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-fire-in-huts-pkg-gj10020_03022021134943_0302f_01212_274.jpg)
પાલિકાના સત્તાધીશોએ કોન્ટ્રાકટર પર ખો આપી
ઉલ્લેખનીય છે કે, આગની ઘટનામાં બેઘર બનેલા ગરીબ કામદારો માટે નગરપાલિકાના પ્રમુખ, સેનેટરી ઇન્સ્પેકટર, ચીફ ઓફિસર સાથે ટેલિફોનિક વાત કરતા તેમને કોન્ટ્રાકટ બેઝ કામ આપ્યું છે. આગની ઘટના સમયે ફાયરને મોકલી કોન્ટ્રાક્ટરને જાણ કરી હોવાનું જણાવી સમગ્ર ઘટના અંગે એકાદ બે દિવસમાં તપાસ કરી મદદરૂપ થશે તેવું જણાવી કોન્ટ્રાકટર પર ખો આપી દીધી હતી.