દમણ-દાદરા નગર હવેલી અને વલસાડમાં નવા 40 કેસ નોંધાયા
- 25 દર્દીઓને સારવાર બાદ રજા આપાઇ, 2ના મૃત્યુ
- વલસાડ જિલ્લામાં કુલ 13 નવા કોરોનાના કેસ
- સંઘપ્રદેશ દમણમાં વધુ 16 નવા દર્દીઓ નોંધાયા
- દાદરા નગર હવેલીમાં 11 નવા દર્દીઓ નોંધાયા
વલસાડઃ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ-દાદરા નગર હવેલીમાં મંગળવારે વધુ 40 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેની સામે 25 દર્દીઓને સારવારમાંથી રજા આપવામાં આવી હતી. મંગળવારે પણ વલસાડ જિલ્લામાં મૃત્યુનો સિલસિલો યથાવત રહેતા વધુ 2 દર્દીઓના મોત સાથે કુલ 44 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
કોરોના મહામારીમાં જિલ્લાનું એપી સેન્ટર બનેલા વાપી સહિત વલસાડ જિલ્લામાં કુલ 13 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. મંગળવારે નોંધાયેલ દર્દીઓમાં વધુ 6 દર્દીઓ વાપીના છે. જ્યારે જિલ્લાના 16 દર્દીઓને સારવાર માંથી રજા આપવામાં આવી છે. જ્યારે 2 દર્દીઓના મૃત્યુ પણ નોંધાયા હતાં. જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 485 પર પહોંચી છે. જેમાંથી 172 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 272 દર્દીઓને સારવારમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવથી 6 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે.જ્યારે 35 દર્દીઓ કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોથી મૃત્યુ પામ્યા છે.
જિલ્લામાં 3 બહારના દર્દીઓ મળી કુલ 44 મૃત્યુ નોંધાયા છે. જિલ્લામાં 520 દર્દીઓ હોમકોરોન્ટાઈન છે. જ્યારે 34 દર્દીઓ સરકારી ફેસિલિટીમાં કોરોન્ટાઇન છે તેમજ 52 દર્દીઓ પ્રાઇવેટ ફેસિલિટી કોરોન્ટાઇનમાં મળી કુલ 606 દર્દીઓ કોરોન્ટાઇનમાં છે.
સંઘપ્રદેશ દમણમાં મંગળવારે વધુ 16 નવા દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતા તેમજ 4 રિકવર થયા હતા. દમણમાં કુલ 250 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે 129 સારવાર હેઠળ છે. દાદરા નગર હવેલીમાં 11 નવા દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે 5 દર્દીઓ રિકવર થયા છે. પ્રદેશમાં કુલ 317 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 108 એક્ટિવ દર્દીઓ છે. જ્યારે 203 દર્દીઓ રિકવર થયા છે.
વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નોંધાઇ રહેલો વધારો વહીવટીતંત્ર માટે ચિંતાનું કારણ બન્યો છે, ત્યારે ઉકાળા સહિતના તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.