સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં એક તરફ આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર કડક હાથે કોરોનાને ડામવાના પ્રયાસો કરી રહ્યું છે. શનિવારે વધુ 19 દર્દીઓ સાથે કુલ સંખ્યા 402 પર પહોંચી છે. જો કે, તંત્રના પ્રયાસોને કારણે અત્યાર સુધીમાં 225 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. તેમ છતાં હજુ પણ 177 દર્દીઓ સારવાર હેઠળ આ જંગ લડી રહ્યાં છે. સતત વધતા કોરોના પોઝિટિવ કેસને કારણે તંત્રએ કુલ 162 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે.
કોરોનાને કારણે સેલવાસ કલેક્ટર ઑફિસમાં ટ્રેઇની IAS મહિલા અધિકારીથી લઇને સબ જેલના કેદી સુધીના નાગરિકોને સારવાર લેવાની ફરજ પડી છે. એક તરફ કોરોના કલેક્ટર કચેરીથી સબજેલ સુધી પહોંચ્યો છે. તો સાથે દર્દીઓને સારવારમાં કોઈ કમી રાખવામાં નહીં આવતા મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા છે.
કોરોના મહામારીનો દાદરા નગર હવેલીમાં વ્યાપ વધારી રહ્યો છે. પ્રદેશના અંતરિયાળ વિસ્તારથી લઇ સેલવાસ કલેક્ટર કચેરી અને હવે સબજેલ સુધી કોરોનાએ એન્ટ્રી કરી છે. સેલવાસ સબજેલ ખાતે કેદીઓને બસમાં બેસાડી કોરોના ટેસ્ટ માટે લઈ જવાયા હતા. તેમજ જેલને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એ જ પ્રમાણે કલેક્ટર કચેરીમાં પણ સ્ટાફ તેમજ આઇએએસ મહિલા ટ્રેઇની અધિકારીને પણ પોઝિટિવ આવ્યા બાદ કલેક્ટર કચેરીને 2 દિવસ બંધ રાખવાની નોબત આવી હતી.
કોરોના કાળના પાછલા ત્રણ દિવસમાં જ કુલ 70 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે રિકવર માત્ર 20 દર્દીઓ થયા છે. ત્યારે લોકો સામાજિક દૂરી રાખે, મોઢે માસ્ક લગાવે, વારંવાર હાથ ધોવાનું રાખે, ગરમ પાણી પીવાનું રાખે જેવી અનેક કાળજી લેવામાં ઢીલ રાખશે તો કોરોનાથી આરોગ્ય વિભાગ કે વહીવટી તંત્ર કોઈ બચાવી નહીં શકે.