વાપી: સંઘપ્રદેશ દમણમાં રવિવારે 7 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. દાદરા નગર હવેલીમાં પણ રવિવારે 7 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા તો 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. દમણમાં હાલ કુલ 123 કેસ એક્ટિવ છે. 128 દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં એક નું મૃત્યુ નીપજ્યું છે. દમણમાં કુલ 58 કન્ટેનમેન્ટ ઝોન, દાદરા નગર હવેલીમાં કુલ 67 કન્ટેનમેન્ટ ઝોન છે. 92 એક્ટિવ દર્દીઓ છે. જ્યારે 126 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દાદરા નગર હવેલીમાં સારવાર લેનાર કેસમાં 3 કેસ બહરના છે.
વલસાડ જિલ્લામાં રવિવારે નવા 16 કેસ નોંધાયા હતાં. જેમાં વલસાડ તાલુકાના 8, વાપીના 5 અને પારડી, ઉમરગામ, ધરમપુર તાલુકાના 1-1 દર્દીનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં જિલ્લાના કુલ 355 દર્દીઓમાંથી 201 એક્ટિવ દર્દીઓ છે. જ્યારે રવિવારના રોજ 7 દર્દીઓને સારવારમાંથી રજા આપવા સાથે 135 રિકવર થયા છે. જિલ્લામાં જિલ્લા બહારના 41 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 24 સારવાર હેઠળ છે. 15ને રજા અપાઈ છે.
જિલ્લામાં કોરોનાથી કુલ 7 દર્દીઓના મોત થયા છે. એ ઉપરાંત કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ અન્ય કારણોથી મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીઓની સંખ્યામાં 15 છે. રવિવારે વધુ 2 દર્દીઓના મોત નિપજ્યા હતાં જેના મૃત્યુનું ચોક્કસ કારણ ડેથ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ નક્કી થશે. જે મુજબ જિલ્લામાં જિલ્લાના અને જિલ્લા બહારના મળીને અત્યાર સુધીમાં કુલ 396 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાં કોરોનાથી મૃત્યુ પામનાર અને અન્ય કારણોસર મૃત્યુ પામનાર કુલ 23 દર્દીઓ નોંધાયા છે.
જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધાઇ રહ્યો હોય વલસાડ જિલ્લામાં કોવિડ-19ની ચિંતામાં પણ વધારો થયો છે. સંઘપ્રદેશમાં કોરોનાના દર્દીઓમાં ઘટાડો નોંધાતા રાહત મળી રહી છે.