- ડુંગરા પોલીસ મથકમાં 50 લાખની ખંડણીની ફરિયાદ
- સાપ્તાહિક પેપરના એડિટર વિરુદ્ધ ફરિયાદ
- પોલીસે પત્રકારની ધરપકડ કરી
વલસાડ: જિલ્લામાં સાપ્તાહિક પેપર ચલાવતા એક એડિટરે એક કન્સ્ટ્રકશન સાઈટના કોન્ટ્રકટરને દબાવી તેની પાસેથી 50 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ કોન્ટ્રકટરે વાપીના ડુંગરા પોલીસ મથકમાં નોંધાવી છે. જેથી પોલીસે પત્રકારની અટક કરી જરૂરી પુરાવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.
50 લાખ રૂપિયાની માંગણી કરી
આ સમગ્ર ઘટના અંગે વાપી ડિવિઝનના DySP વી.એમ.જાડેજાએ વિગતો આપી હતી કે વલસાડ જિલ્લામાં સાપ્તાહિક પેપર ચલાવતા એડિટરે બાલાજી કન્સ્ટ્રકશન સાઈટના કોન્ટ્રાક્ટરને દબાવી 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમાં વાટાઘાટો અને અન્ય મીડિયેટરને સાથે રાખી 25 લાખની રકમ નક્કી કરી હતી. જે ફરિયાદી મહેન્દ્ર બીશ્નોઈ આપવા માંગતા ન હોવાથી તેમણે સઘળી હકીકત અને પુરાવા સાથે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને કરી અપીલ
પોલીસે પત્રકાર વિરુદ્ધ તમામ પુરાવા એકઠા કરી ધરપકડ કરી છે. તેમજ આ સમગ્ર ઘટનાને ગંભીર ગણી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં વલસાડ જિલ્લા પોલીસવડાએ પણ નાગરિકોને અપીલ કરી છે કે, આવી ખંડણીની અન્ય કોઈ ઇસમ પણ માંગણી કરતા હોય તો તે અંગે પોલીસનો સંપર્ક કરે પોલીસ ખંડણીની માંગણી કરનારા ઈસમો વિરુદ્ધ સત્વરે કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લાના પત્રકાર આલમમાં ખળભળાટ
ઉલ્લેખનીય છે કે, પત્રકાર 50 લાખની ખંડણી માંગતા હોવાની ફરિયાદ નોંધાયા બાદ જિલ્લાના પત્રકાર આલમમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ લેભાગુ પત્રકારોમાં પોલીસ ધરપકડનો ડર જોવા મળ્યો હતો.