- વાપીમાં GPCB ના અધિકારીઓને આપવા 10 કરોડની ઉઘરાણી
- અખબારી અહેવાલો બાદ ગાંધીનગરથી એક ટીમ વાપી આવી
- કમિટીના સભ્યો પાસે કોઈ ઉદ્યોગકાર ફરકયો નહીં
- VGEL ના ડિરેક્ટરોએ 91 ઉદ્યોગકારો પાસેથી ઉઘરાવી કરોડોની રકમ
વાપી : વાપીના 93 જેટલા ઉદ્યોગોના સંચાલકો પાસેથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ(VGEL)ના 2 ડિરેક્ટરો અને એક VIA ના પૂર્વ પ્રમુખ દ્વારા ગાંધીનગરમાં GPCB ના અધિકારીઓને 10 કરોડ જેવી માતબર રકમ ઉઘરાવી પુરી પાડી હોવાના અખબારી અહેવાલો બાદ ગાંધીનગર GIDC અને VGEL ના ચેરમેન થેંનારસન દ્વારા 2 સભ્યોની કમિટીની રચના કરતા આ કમિટીએ મંગળવારે વાપી GIDC ઓફીસ ખાતે પત્રકારો પાસેથી વિગતો મેળવી હતી. આ કરોડોની ઉઘરાણી મામલે ભોગ બનનાર ઉદ્યોગોકારો આગળ આવી વિગતો આપે તેવી અપીલ કરી હતી. ગાંધીનગરથી GIDC અને VGEL ના ચેરમેન દ્વારા નિમાયેલ કમિટીના 2 સભ્યોએ વાપીમાં આવી આ સમગ્ર મામલે પત્રકારો પાસેથી વિગતો એકઠી કરી હતી. તે બાદ ઉદ્યોગકારોને સાંભળવા આખો દિવસ રાહ જોયા બાદ પહેલા દિવસે એકપણ ઉદ્યોગકાર તરફથી કોઈ જ ફીડબેક મળ્યો નથી.
વાપી GIDC એ સમગ્ર દેશમાં જાણીતી GIDC છે. અહીં નાનામોટા 4 હજાર જેટલા કારખાના ધમધમે છે. જેમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રી પોલ્યુટેડ વોટર છોડતી ઇન્ડસ્ટ્રી છે. આ પોલ્યુટેડ વોટરને ટ્રીટ કરવા માટે વાપીમાં 55 MLD ની ક્ષમતા ધરાવતો CETP પ્લાન્ટ છે. જેમાં 700 જેટલા ઉદ્યોગોનું પોલ્યુટેડ વોટર ટ્રીટ કરી દમણગંગા નદીમાં છોડવામાં આવે છે. જો કે હાલમાં આ પ્લાન્ટનું 5 MLD વધારાનું વિસ્તરણ કરવાની તજવીજ હાથ ધરાયા બાદ સૌથી વધુ પોલ્યુટેડ વોટર છોડતી 120 પૈકી 91 ઇન્ડસ્ટ્રીઝ ના સંચાલકો પાસેથી VGEL ના 2 ડિરેક્ટરો અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સહિતની ત્રિપુટીએ ગાંધીનગરમાં બેસેલા GPCB ના અધિકારીઓને 10 કરોડનું નૈવેધ ધરાવવા પૈસા ઉઘરાવ્યાં હોવાની વિગતો બહાર આવી હતી. જે બાદ VGELના ચેરમેન થેંનારસને આ અંગે ડી. આર. નાયડુ અને ડૉ. ભરત જૈન નામના 2 સભ્યોની કમિટી નીમતા આ કમિટીએ મંગળવારે વાપીમાં પત્રકારો પાસેથી વિગતો મેળવી હતી અને આ મામલે ઉદ્યોગકારો આગળ આવે તેવી અપીલ કરી હતી.
દેશમાં ગુજરાતના સ્ટેટ મોડેલ ગણાતા વાપી GIDC માં સૌથી મોટો ભ્રષ્ટાચાર
વાપીના ઉદ્યોગકારો પાસેથી VGEL ના ડાયરેક્ટરોએ કરેલા 10 કરોડના ઉઘરાણા અંગે કમિટીએ વિગતો આપનાર ઉદ્યોગકારોની ગુપ્તતા જાળવવા અને ઇ-મેઈલ થી વિગતો આપવા પણ અપીલ કરી છે. જેથી આ મામલે જે તથ્ય છે તે સામે આવે અને તે અંગે વડી કચેરી ગાંધીનગરમાં પોતાનો રિપોર્ટ સુપરત કરી શકે. પરંતુ, મંગળવારની મોડી રાત સુધી આ મામલે એકપણ ઉદ્યોગકાર તરફથી કોઈ જ ફીડબેક મળ્યો નથી. જ્યારે વાપીના આ મસમોટા ભ્રષ્ટાચાર અંગેના અખબારી અહેવાલો બાદ કમિટીના સભ્યો પણ અચરજ પામ્યા હોવાનું અને દેશમાં જે ઔદ્યોગિક વસાહતને ગુજરાતનું ગૌરવ ગણાવતા હતાં તે જ વાપી GIDC માં આ ઘટના બાદ દુઃખ થયું હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.
કશ્યપ સ્વીટનર્સની 1066.10 KL પોલ્યુટેડ વોટર છોડવાની તૈયારી
ઉલ્લેખનીય છે કે CETP ના 5 MLD વિસ્તરણ માટે જે 91 ઉદ્યોગોના સંચાલકો પાસેથી 10 કરોડનું ઉઘરાણું થયું હોવાની વિગતો સામે આવી છે. તેમાંથી 90 ઉદ્યોગો એવા છે જેનું 0.33 KL(કિલો લીટર) થી 295 KL સુધીનું પાણી વાપી CETP માં છોડવાની મંજૂરી GPCB તરફથી હાલના તબક્કે મળેલી છે. જ્યારે આ જ ઉદ્યોગો આગામી દિવસોમાં 1.40 KL થી 250 KL જેટલું વધારાનું પાણી ડિસ્ચાર્જ કરવાની યોજના ધરાવે છે. જે મુજબ આગામી દિવસોમાં આ 90 ઇન્ડસ્ટ્રીઝનું જ કુલ 2.10 KL થી 340 KL પાણી CETP માં જશે. જ્યારે કશ્યપ સ્વીટનર્સ લિમિટેડ નામની એક જ કંપની હાલમાં GPCB ની મંજૂરી સાથે 602.10 KL પોલ્યુટેડ વોટર CETP માં છોડે છે. આગામી દિવસોમાં તે 463 KL વધારાના પાણી સાથે કુલ 1066.10 KL પાણી CETP માં છોડવાની તૈયારી કરી રહી છે. એ મુજબ હાલના 55 MLD ના જથ્થા સાથે વધુ 5 MLD વિસ્તરણ કરી 60 MLD સુધીના પ્લાન્ટ માટે સરકારે રકમ ખર્ચવી જોઈએ તેને બદલે GPCB ના અધિકારીઓએ ઉદ્યોગકારો પાસેથી 10 કરોડની ઉઘરાણી કરી હોવાની ચોંકાવનારી વિગતોએ ગુજરાત સહિત દેશના ઉદ્યોગજગત અને સરકારી તંત્રમાં ખળભળાટ સર્જ્યો છે. ત્યારે આ મામલે કમિટી કેવો રિપોર્ટ આપશે અને વહીવટીતંત્ર કેવી કાર્યવાહી કરશે તેના પર સૌ કોઇ મીટ માંડીને બેઠું છે.
આ પણ વાંચોઃ વાપી GIDCમાં વેસ્ટ એસિડના નિકાલનો પર્દાફાશ, GPCBએ નોટિસ ફટકારી
આ પણ વાંચોઃ મોડાસાથી મહારાષ્ટ્ર કન્ટેનરમાં લઇ જવાતા 8 લાખના Gutka સાથે વાપીમાં બે ઇસમોની ધરપકડ