- દમણમાં વિજયા રાહતકરે કૃષિ બિલ અને ખેડૂત આંદોલન અંગે પ્રતિક્રિયા આપી
- વિરોધીઓ ખેડૂતોને ભ્રમમાં નાખતા હોવાના આક્ષેપ કર્યા
- વિજયા રાહતકરે કૃષિ બિલને ખેડૂતોના વિકાસ માટે મહત્વનું બિલ ગણાવ્યું
દમણઃ સંઘપ્રદેશમાં મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે મંડળના પદાધિકારીઓ માટે બે દિવસીય પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને દમણ-દાદરાનગર હવેલીના પ્રદેશ પ્રભારી વિજયા રાહતકરે ખુલ્લું મૂકયું હતું. જે બાદ દમણ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધી કૃષિ બિલ અને ખેડૂત આંદોલન અંગે સરકાર તરફી વિચારો રજૂ કર્યા હતા.
![ભાજપ વિરોધીઓ કૃષિ બિલ મામલે ખેડૂતોમાં ભય ફેલાવી રહ્યા છેઃ વિજયા રાહતકર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-krishibill-rahatkar-avb-gj10020_15122020202750_1512f_03368_328.jpg)
દમણમાં ભાજપે મંડળ પ્રશિક્ષણનું આયોજન કર્યું
મંડળ પ્રશિક્ષણ અંગે પ્રભારી રાહતકરે જણાવ્યું હતું કે, ભાજપ સૌથી મોટી પાર્ટી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નેતૃત્વમાં દેશભરમાં મંડળના પ્રશિક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં કાર્યકરોને ભાજપની વિચારધારા? ભાજપનો ઉદેશ્ય કયો છે? તે અંગે ખાસ તાલીમ આપવામાં આવે છે. આવા પ્રશિક્ષણ દેશભરમાં ચાલી રહ્યા છે. દમણમાં પણ તે અંતર્ગત કાર્યકરો પ્રશિક્ષિત થશે અને જનતાના કાર્યો કરશે.
![ભાજપ વિરોધીઓ કૃષિ બિલ મામલે ખેડૂતોમાં ભય ફેલાવી રહ્યા છેઃ વિજયા રાહતકર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-krishibill-rahatkar-avb-gj10020_15122020202750_1512f_03368_469.jpg)
કૃષિ બિલ અને ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપી
ખેડૂત આંદોલન અને કૃષિ બિલ અંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો માટે જે ત્રણેય કૃષિ બિલ લાવ્યા છે, તે ખેડૂતો માટે લાભકારક છે. આ બિલને કારણે ખેડૂતોની આવક વધશે. ખેડૂતો આત્મનિર્ભર બનશે. પરંતુ, કેટલાક લોકો આનો વિરોધ કરીને ખેડૂતોના મનમાં ભ્રમ ઉત્પન્ન કરી આંદોલનના માર્ગે લઈ ગયા છે.
![ભાજપ વિરોધીઓ કૃષિ બિલ મામલે ખેડૂતોમાં ભય ફેલાવી રહ્યા છેઃ વિજયા રાહતકર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-krishibill-rahatkar-avb-gj10020_15122020202750_1512f_03368_551.jpg)
મોદી સરકારે 14 કરોડ ખેડૂતો માટે 94 કરોડની કરી છે સહાય
વિજયા રાહતકરે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂત દેશનો અન્નદાતા છે અને તેના હીતની વાત જ કૃષિ બિલમાં છે. મોદી સરકારે દેશના 14 કરોડ ખેડૂતો માટે 94 હજાર કરોડની સહાય કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપી છે. દરેક ખેડૂતને 6000 રૂપિયાની ધનરાશિ મળી ચૂકી છે. આત્મનિર્ભર યોજના હેઠળ એક લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. અનેક યોજનાઓ લાગુ કરી છે. ત્યારે ભાજપ પર ભરોસો રાખી આ બિલને સમર્થન આપવું જોઈએ.
![ભાજપ વિરોધીઓ કૃષિ બિલ મામલે ખેડૂતોમાં ભય ફેલાવી રહ્યા છેઃ વિજયા રાહતકર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-krishibill-rahatkar-avb-gj10020_15122020202750_1512f_03368_490.jpg)
પંજાબના મુખ્યપ્રધાન અને શરદ પવાર પર કર્યા આક્ષેપ
રાહતકરે આક્ષેપ કર્યા હતા કે, પંજાબમાં જ્યાં તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યાંના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે જ 2017માં આ બિલને પાસ કરવા માંગ કરી હતી. શરદ પવાર પોતે પણ બિલનો વિરોધ કરે છે અને બીજી તરફ ઈચ્છે છે કે પ્રાઇવેટ સેક્ટર આમાં આવે. 2006માં જ્યારે તેમની સરકાર હતી. ત્યારે, તેમણે આ સંશોધિત કૃષિ બિલને બનાવ્યું હતું. વામપંથીઓ આજે તેનો વિરોધ કરે છે પરંતુ જ્યારે તેમની સરકાર કેરળ અને ત્રિપુરામાં હતી. ત્યારે, આ અંગે કોઈ વિરોધ નહોતો કર્યો તો હવે કેમ વિરોધ કરી રહ્યા છે. આ આંદોલનમાં ખોટા લોકો ખેડૂતોને ભડકાવી આંદોલનના માર્ગે ઉકસાવી રહ્યા છે. તેનાથી જાગૃત બની સરકાર સાથે આ મામલે ખેડૂતો સાથે વાટાઘાટો કરે તે જરૂરી છે. ભાજપ સરકાર ખેડૂતો સાથે છે દેશના વિકાસ સાથે છે.
ખેડૂતોએ સરકારના પ્રતિનિધિ સાથે આ અંગે ખુલ્લા મને કરવી જોઈએ ચર્ચા
જોકે, કેટલાક ભાજપી સંગઠનનો જ કૃષિ બીલનો વિરોધ કરી રહ્યા છે. તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જ્યારે આ બિલ આવ્યું ત્યારે એ જ ભાજપના ભારતીય કિસાન મોરચાના કે સંઘ જેવા સંગઠનોએ તેને આવકાર્યું હતું. સરકાર વાતચીત કરવા તૈયાર છે અને ખેડૂતોએ સરકારના પ્રતિનિધિ સાથે આ અંગે ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ.
દિલ્હીમાં સરકાર વિરોધી નારા દેશ હિતમાં નથી
આ આંદોલનને પગલે મોદી સરકાર હાય હાય, ખાલિસ્તાન જિંદાબાદ જેવા ભારત વિરોધી નારા અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા પ્રભારી વિજયા રાહતકરે જણાવ્યું હતું કે, કેટલાક લોકો આંદોલનમાં ઘુસી ગયા છે જે દેશના હિતમાં નથી. આ અંગે સરકાર જરૂરી કાર્યવાહી કરશે.
ખેડૂત નેતા સાથે સરકારના પ્રતિનિધિઓ બેઠક કરશે
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસ દરમિયાન કચ્છના સ્થાનિક ખેડૂતો અને પંજાબી ખેડૂતોને મળ્યા હતા. તો તેઓ જ્યાં વિરોધ થઈ રહ્યો છે ત્યાં ખેડૂતો વચ્ચે કેમ નથી જતાં? તેવા સવાલના જવાબમાં વિજયા રાહતકરે જણાવ્યું હતું કે, તે માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખેડૂત આંદોલનના દરેક મુખ્ય નેતાઓ સાથે ભાજપના નેતાઓ બેઠક કરી રહ્યા છે. પ્રાઈવેટ સેક્ટરને લઈને થઇ રહેલા વિરોધ પહેલા શરદ પાવર જ પ્રાઇવેટ સેક્ટર આમાં આવે તે ઇચ્છતા હતા અને હવે વિરોધ કરે છે. શું આ વ્યવસ્થા ભાજપે કરી છે એટલે તેનો વિરોધ કરે છે? તેવો આક્ષેપ વિજયા રાહત કર્યો હતો. પ્રાઇવેટ સેક્ટરમાં સાથે મળીને ખેડૂતો પગભર થયા છે. પરંતુ વિપક્ષ તેને આંદોલનનું સ્વરૂપ આપી અવળા પાટે લઈ જઈ રહ્યું છે. જે ખેડૂતો અને દેશના વિકાસના હિતમાં નથી તેવો રાગ પણ દાદરાનગર હવેલી અને દમણ ભાજપ પ્રદેશના પ્રભારી વિજયા રાહતકરે આલાપ્યો હતો.