- દાદરા નગર હવેલીનો 68મો મુક્તિ દિવસ
- મુક્તિ દિવસની રજા કેન્સલ કરતા ઉજવણી ફિક્કી બની
- અલગ અલગ કચેરી ખાતે ઔપચારિક ધ્વજવંદન કરાયું
સેલવાસઃ દાદરા નગર હવેલી... આ નામ સાંભળતા જ વનરાજીથી ઘેરાયેલો અને બેઠા ઘાટના દેશીઢબના મકાનોમાં પારંપરિક પોષાકમાં સજ્જ આદિવાસીઓ માનસપટ પર તરી આવે છે. આદિવાસી મુલક ગણાતા દાદરા નગર હવેલીનો 2જી ઓગસ્ટના 68મો મુક્તિ દિવસ હતો. જો કે વર્ષ 2020ની 26મી જાન્યુઆરીથી દમણ દીવ અને દાદરા નગર હવેલીનું એક સંઘપ્રદેશ તરીકે વિલીનીકરણ થયા બાદ હવે મુક્તિ દિવસ માત્ર ઔપચારિક બન્યો છે. સોમવારે મુક્તિ દિવસના અવસર પર કલેકટર અને નગરપાલિકા પ્રમુખે ત્રિરંગાને સલામી આપી શહીદ ચોક પર પુષ્પાંજલિ અર્પણ કરી પ્રદેશવાસીઓને શુભકામના પાઠવી હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીએ 2જી ઓગસ્ટ 1954ના રોજ પોર્તુગીઝોના શાસનને હટાવી મુક્તિ મેળવી હતી. ત્યારથી લઇને આજે વર્ષ 2021ના 68માં મુક્તિદિવસ દરમ્યાન આ પ્રદેશમાં વિકાસના અનેક નવા દ્વાર ખુલ્યાં છે અને સતત વિકાસની દોડમાં હરણફાળ ભરી રહ્યો છે. જો કે દર વર્ષે રંગેચંગે ઉજવાતો મુક્તિ દિવસ હવે ઔપચારિક બન્યો છે. મુક્તિ દિવસની જાહેર રજા પણ કેન્સલ કરી છે. એમાં પણ 2 વર્ષથી માત્ર ગણ્યાગાંઠ્યા મહાનુભાવોની હાજરીમાં જ આ દિવસે ત્રિરંગાને સલામી આપવાના અને પોલીસ પરેડના આયોજન થાય છે. જ્યારે શહેરીજનો માટે કાર્યક્રમનું યુટ્યૂબ પર લાઈવ પ્રસારણ કરવામાં આવે છે.
કલેકટર સહિતના મહાનુભાવોએ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી
આ વર્ષે પણ કલેકટર કચેરી ખાતે કલેકટર સંદીપકુમાર સિંઘે ત્રિરંગાને સલામી આપી હતી. પોલીસ જવાનો દ્વારા પરેડનું આયોજન કરાયું હતું. જ્યારે સેલવાસ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ રાકેશસિંહ ચૌહાણે, જિલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવરે જિલ્લા પંચાયત ખાતે ત્રિરંગાને સલામી આપી હતી. તમામે તે બાદ ઝંડા ચોક ખાતે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ આપી વીર સપૂતોને યાદ કરી નમન કર્યા હતાં.
2જી ઓગસ્ટ 1954ના આઝાદ થયું હતું દાદરા નગર હવેલી
દાદરા નગર હવેલીના ઇતિહાસની વાત કરીએ તો, ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી 15 ઓગસ્ટ 1947માં આઝાદી મળી. પરંતુ ત્યારે દાદરા નગર હવેલી, દમણ, દીવ અને ગોવા પોર્તુગીઝ શાસનની બેડીમાં બંધાયેલા હતાં અને આ બેડી ફગાવી મુક્ત બનવા માટે તલપાપડ હતા. 1950 બાદ આ પ્રદેશમાં ક્રાંતિકારીઓ સક્રિય થયા અને મુક્તિ માટે ક્રાંતિની જ્વાળા જગાવી આ વીર ક્રાંતિકારીઓના એક જૂથે પહેલા દાદરાને મુક્તિ અપાવી અને ત્યાર બાદ 100 જેટલા ક્રાંતિવીરોએ બીજી ઓગસ્ટ 1954ના દિવસે સમગ્ર દાદરા નગર હવેલી પંથકને મુક્ત કરાવ્યો હતો.
11 ઓગસ્ટ 1961ના ભારતમાં સંઘપ્રદેશના દરજ્જા સાથે સામેલ થયું
દાદરા નગર હવેલી પોર્ટુગીઝોના પંજામાથી મુક્ત તો થયું પરંતુ તે બાદ ભારતમાં સમાવેશ પામ્યું નહોતું મુક્તિ દિવસ બાદ પોર્તુગીઝોએ આ મામલે કાયદાકીય જંગ આદર્યો હતો અને તે જંગ લગાતાર 7 વર્ષ અને 9 દિવસ સુધી ચાલ્યા બાદ આખરે 11 ઓગસ્ટ 1961ના દિવસે ભારતમાં સંઘપ્રદેશના દરજ્જા સાથે સામેલ થયું.
પ્રવાસીઓ માટે પ્રવાસનધામ છે
ભારતનું અભિન્ન અંગ બન્યા બાદ દાદરા નગર સતત વિકાસ કરી રહ્યું છે. મુક્તિના 68 વર્ષમાં દાદરા નગર હવેલીમાં આવેલી વન્યસંપદાએ દેશવિદેશના પ્રવાસીઓમાં અનેરૂ આકર્ષણ જગાવ્યું છે. અંહીના ઘટાટોપ જંગલો, ખળખળ વહેતા ઝરણા-નદીઓ, અનેક વૃક્ષો, ફળફૂલોથી શોભતા બાગબગીચાઓ, મધુબન ડેમ અને દૂધની લેક ગાર્ડન, દમણગંગા રિવરફ્રન્ટ પ્રવાસીઓને સતત આકર્ષતું રહ્યું છે. વર્ષે દહાડે અંહી પાંચ લાખથી પણ વધારે પ્રવાસીઓ મીની વેકેશન માણવા આવે છે.
ઔદ્યોગિક ક્રાંતિએ હરણફાળ ભરી છે
ઔદ્યોગિક ક્રાંતિના પ્રતાપે 4000 જેટલા નાનામોટા ઉદ્યોગો સ્થપાતા આજે દાદરા નગર હવેલીમાં રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. ઔદ્યોગિક ક્રાંતિના કારણે આ પ્રદેશ મિનિભારતના રૂપમાં ઉભરી રહ્યો છે. હજારો પરપ્રાંતીય પરિવારો દાનહમાં સ્થાઇ થયાં છે. હવે આ પ્રદેશને પોતીકો પ્રદેશ ગણી તેના વિકાસમાં યથાશક્તિ યોગદાન આપી રહ્યાં છે.
અદિવાસી પ્રદેશમાં આદિવાસી સમાજ સાથે અન્યાય
અહીના આદિવાસીઓ પણ રોજગારી અને ધંધાકીયક્ષેત્રે ખૂબજ પ્રગતિ કરી રહ્યાં છે. એવી જ રીતે સરકાર દ્વારા પણ આ વિસ્તારમાં સતત વિકાસશીલ યોજનાઓની અમલવારીમાં મહત્વનું યોગદાન આપતી હોય શૈક્ષણિક, આરોગ્ય, પરિવહન ક્ષેત્રે સતત વિકાસ થઇ રહ્યો છે. શિક્ષણનું સ્તર સુધર્યું છે. બોર્ડ એક્ઝામમાં અહીના વિદ્યાર્થીઓ કાઠું કાઢી રહ્યાં છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી માધ્યમની પ્રાથમિક શાળાઓ ચાલે છે કોલેજો ચાલે છે. મેડીકલ કોલેજનું અને એન્જિનિયરીંગ કોલેજનું સ્વપ્ન પણ પુરું થયુ છે. મુખ્ય પાટનગર કહેવાતું સેલવાસ હવે સીલવાસા સ્માર્ટ સિટીમાં સામેલ થયું છે. અનેક મોટી અને આલીશાન ઇમારતો, શૉપીંગ સેન્ટર અત્યાધુનિક હોટેલો સીલવાસાની શાન ગણાય રહી છે. ત્યારે દાનહની આ પ્રગતિ અવિરત ગતિ કરતી રહે અને સાથે સાથે મિનિ ભારતની ઉપમા મેળવનારા દાનહમાં ભાઇચારો કાયમ રહે તેવી દાનહના 68માં મુક્તિદિને શુભેચ્છા.
રાજકીય ખટરાગમાં ગામડાંઓની પ્રગતિ રુંધાઇ છે
દાદરા નગર હવેલીની પ્રગતિ હાલ ચરમસીમાએ છે. એ વાત ચોક્કસ છે. પરંતુ આજે પણ આ વિકાસની દોટમાં કેટલાક અંતરીયાળ ગામડાઓ બાકી છે. આ અંતરીયાળ વિસ્તારોમાં આજે પણ આદિવાસી સમાજના લોકો રોજગારીથી, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓથી અને શિક્ષણથી વંચિત રહ્યાં છે. રાજકીય ખટરાગમાં આ ગામડાંઓની પ્રગતિ રુંધાઇ છે.
આદિવાસીઓ માટે નથી પાયાની સુવિધા
આજે પણ એવા કેટલાક ગામ છે. જ્યાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. ઉનાળામાં લોકોએ રીતસરના પાણી માટે વલખા મારવા પડે છે. ગામડાઓમાં આવનજાવનની યોગ્ય સુવિધા નથી, માર્ગોનું નવીનીકરણ થયું નથી જેથી લોકોએ નદીઓના કે ચેકડેમના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું પડે છે. વીજળીની પુરતી સુવિધા નથી. રોજગારીની તકો આસપાસમાં ઉપલબ્ધ ન બનતા લોકોએ 20 થી 40 કિમી દૂર રોજગારી માટે આવનજાવન કરવી પડે છે. ત્યારે આ દિશામાં પણ સરકાર, રાજકિય નેતાઓ, આદિવાસી સમાજના અગ્રણીઓ પહેલ કરે તો જ ખરા અર્ધમાં દાદરા નગર હવેલી મુકિત દિવસની ઉજવણી સાર્થક થઇ ગણાશે.
પ્રફુલ પટેલની રાજકીય ખટપટને કારણે સ્થાનિક પ્રજામાં નારાજગી
ઉલ્લેખનીય છે કે 26 મી જાન્યુઆરી 2020ના રોજ સત્તાવાર રીતે એક સંયુક્ત નવા કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો સમાવેશ થયો છે. બંને પ્રદેશો પર વર્ષો પહેલા ફિરંગી સલ્તનતનો કબજો હતો. દાદરા નગર હવેલી 2 ઓગસ્ટ 1954ના રોજ મુક્ત થયું હતું અને 1961માં ભારત વર્ષનું એક અવિભાજ્ય અંગ બન્યું હતું જ્યારે દમણ-દીવ 19મી ડિસેમ્બર 1961 ના રોજ મુક્ત થયા બાદ ગોવા દમણ અને દીવ ને વિધાનસભા સાથે ના કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સરકારે માન્યતા આપી હતી. જે બાદ ગોવાને અલગ રાજયનો દરજજો મળતાં દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે કાયમ રહ્યા હતાં. જે હવે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ અને દીવના નામથી એક કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઓળખાય છે. જેના પ્રફુલ પટેલ પ્રશાસક છે. જ્યારથી તેઓને આ કાર્યભાર સોંપ્યો છે, ત્યારથી રાજકીય ખટપટના કારણે આ પ્રદેશનું નામ અનેકવાર રાજકારણમાં ચગતું રહ્યું છે. હાલમાં પણ 7 ટર્મના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આપઘાત બાદ અહીંના સ્થાનિક લોકોએ પ્રશાસક સામે વિરોધ નોંધાવી તેના પૂતળા બાળ્યાં હતાં. તો, કોંગ્રેસે પણ પ્રદેશની ગરિમાને બચાવવા સ્થાનિક સ્તરે અલગ મુક્તિ દિવસની ઉજવણી કરી પ્રશાસનિક મુક્તિ દિવસનો બહિષ્કાર કર્યો છે.