- રાજકારણમાં ચાલી રહેલા નેપોટિઝમને ખુલ્લો પાડતો કિસ્સો
- પિતા ગત ટર્મમાં પણ ચૂંટાયા હતા, પુત્રીને આ વર્ષે જ ટિકિટ મળી
- નવા સિમાંકનમાં મતદારોની સંખ્યા વધતા લઘુમતિ મહિલાની પસંદગી કરાઈ
ભાવનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા 21 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે પિતા-પુત્રી બંનેને પ્રથમ યાદીમાં ટિકિટ આપી દીધી છે. એવામાં જે ટિકિટ વાંચ્છુકોનાં પત્તા કપાયા છે, તેઓ દ્વારા પણ કોઈ વિરોધ વ્યક્ત ન કરાતાં કોંગી કાર્યકરોમાં વિવિધ અટકળો ચાલી રહી છે.
ગત ટર્મમાં જીત્યા હોવાથી આ વખતે રિપિટ કરાયા
કોંગ્રેસે લઘુમતી સમાજને સાચવવા માટે ગઈ ટર્મમાં જીતેલા ઉમેદવાર રહીમ કુરેશીને રિપિટ કર્યા છે. રહીમભાઈ કુરેશીને ફરી એક વખત વોર્ડ નંબર 3માંથી ટિકિટ આપવામાં આવી છે. આ વિસ્તારમાં લઘુમતી સમાજની વસ્તી મોટા પ્રમાણમાં હોવાથી કોંગ્રેસે લઘુમતી સમાજનાં આ ચહેરાને ફરીથી રિપિટ કર્યો હોવાનું માની શકાય છે.
કોંગ્રેસ માટે સુરક્ષિત કહેવાતી બેઠક પર પુત્રીને ટિકિટ આપી
કોંગ્રેસે સુરક્ષિત કહેવાતી બેઠક ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં રહીમભાઈની પુત્રી શબાના ખોખરને ટિકિટ આપી છે. કોંગી કાર્યકરોમાં થતી ચર્ચા મુજબ, લઘુમતી સમાજમાં પિતાએ પોતાના બાદ પોતાની પુત્રીને આગળ ધરીને પોતાના ઘરનું રાજકારણ યથાવત રાખ્યું છે. બીજી એક ચર્ચા એવી પણ છે કે, નવા સીમાંકન મુજબ વોર્ડનાં આશરે 2000 જેટલા મતદારોનાં વોર્ડ બદલાઈ ગયા છે. જેના કારણે કોંગ્રેસનો સુરક્ષિત વોર્ડ ઉત્તર કૃષ્ણનગર ખતરામાં મુકાઈ ગયો હતો. નવા ઉમેરાયેલા મતદારો પૈકી મોટાભાગનાં લઘુમતી સમાજમાંથી હોવાની આશંકા વચ્ચે કોંગ્રેસે લઘુમતી મહિલા ઉમેદવારને સ્થાન આપીને પોતાના વોર્ડને ફરીથી સુરક્ષિત ઝોનમાં લઈ લીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.