- ભાવનગર જિલ્લામાં જેસર, મહુવા અને સોસીયામાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન
- આ વર્ષે જિલ્લામાં કુલ 6 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું
- કોરોના મહામારીમાં લોકડાઉન, ખાતરના વધતા ભાવો અને હવામાનમાં આવેલા ફેરફારને લઈ ખેડૂત મુશ્કેલીમાં
- ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓછી આવક થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઇ રહી છે
ભાવનગર: ઉનાળાની સિઝન ચાલી રહી હોય અને એવામાં ફળોના રાજા કેરી પકવતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મૂકાયા છે. ભાવનગર જિલ્લામાં જેસર, મહુવા અને તળાજા તાલુકાના સોસીયામાં કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે અને એમાં પણ સોસીયાની કેસર કેરી સૌથી વધારે ભાવે બજારોમાં વહેંચાતી હોય છે.આ વર્ષે જિલ્લામાં કુલ 6 હજાર હેક્ટરમાં કેરીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. હાલ ચાલી રહેલી કોરોના મહામારીને કારણે સૌ કોઈ મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો: આ વર્ષે કચ્છની કેસર કેરીનું સારી એવી માત્રામાં ઉત્પાદન થાય તેવી શક્યતા
કેરી પકવતા સોસિયાના ખેડૂત મુશ્કેલીમાં
કેસર કેરી પકવતાં સોસીયાના ખેડૂતો દ્વારા આ વર્ષે કરીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ જણાવ્યું કે, ગયા વર્ષે પણ કોરોના મહામારીનાં કારણે કેરીના ઉત્પાદન સામે સારા ભાવો મળી શક્યા નહિ અને છેલ્લા બે-ત્રણ વર્ષથી સતત હવામાનમાં આવતા બદલાવની અસર કેરીના પાક પર પડી રહી છે, તેમજ આ વર્ષે વાતાવરણની અસર અને વધતા ખાતરના ભાવો આસમાને પહોંચ્યા છે. એવામાં હાલ ચાલી રહેલા કોરોના મહામારીનાં કારણે શહેરોમાં પણ લોકડાઉન હોવાથી કેરીનો પાક ખરીદનારા વેપારીઓ ઓછા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ વાતાવરણના કારણે જીવાત પડવાના કારણે કેરીના પાકને નુકસાન પણ થઇ રહ્યું છે. ગયા વર્ષે કેરીની સિઝનમાં મળેલા ભાવો કરતાં પણ આ વર્ષે ભાવો ઓછા મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
આ પણ વાંચો: ભાવનગરમાં સોસિયાની કેરીનું આગમન: કાચી કેરી 100ની આસપાસ રહેતા લોકોને સ્વાદ ફિક્કો પડશે
શું કહી રહ્યા છે બાગાયત અધિકારી
કેરીના ઉત્પાદન બાબતે જિલ્લા બગાયત વિભાગના અધિકારીએ જણાવ્યું કે, જિલ્લામાં કુલ 6 હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે અને સોસીયામાં સારા એવા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થયેલું અને તેના સારા એવા ભાવો પણ ખેડૂતોને મળી રહ્યા છે. ઉપરાંત આ વર્ષે જે ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી હશે તો જીવાત પડવાનો પણ કોઈ પ્રશ્ન નથી. જેના કારણે ખેડૂતોને પાકના સારા ભાવો મળી રહ્યા હોવાનું જણાવેલું હતું.