ભાવનગર: શહેર જિલ્લામાં મેઘરાજાની સવારી છેલ્લા ત્રણ દિવસથી અવિરત ચાલી રહી છે, ત્યારે જિલ્લામાં ખેતી માટે કાચા સોના જેવો વરસાદ છે. શહેરમાં વરસાદના કારણે જનજીવન પર અસર પહોંચી હતી. ભાવનગરમાં કામ ધંધા અને વ્યવસાય માટે જનારા લોકોને વરસાદ ત્રણ દિવસથી વિઘ્ન બની રહ્યો હતો. શહેરમાં સતત ત્રણ દિવસથી ધીમીધારે ટપક પદ્ધતિ સમાન વરસાદ વરસી રહ્યો હતો. વાહન ચાલકોને રસ્તા પર વાહન ચલાવતા બાઇક સ્લીપ થવાનો ડર સતાવી રહ્યો છે.
તાલુકાનો વરસાદ 101 ટકા કરતા વધુ નોંધાઇ ગયો છે. દોઢ કલાક બાદ પણ વરસાદ શરૂ રહ્યો હતો.ભાવનગરમાં અઠવાડિયાથી વરસાદી વાતાવરણ રહ્યું છે. શહેર જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટાઓ અવિરત પણે વરસી રહ્યાં હતાં. જો કે, ત્રણ દિવસથી રાત અને વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો. ભાવનગર જિલ્લામાં કુલ ચોમાસાના 595 મીમી વરસાદની જરૂર હોઈ ત્યાં 455 મીમી વરસાદ નોંધાઇ ચુક્યો છે, પરંતુ ભાવનગર તાલુકામાં સીઝનના વરસાદ કરતા વધુ 700 મીમી વરસાદ વરસી ચુક્યો છે. જ્યારે તાલુકાની જરૂરિયાત 689 મીમીની છે. હવે વરસાદ જરૂરિયાતથી વધુ આવતા તાલુકાના ખેડૂતો માટે લીલા દુકાળ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વર્તાઈ રહી છે.
શહેરવાસીઓ પણ વરસાદની રાહમાં હતા. સારો એવો વરસાદ વરસતા બફારો અને ગરમીમાંથી લોકોને રાહત મળી ગઈ છે. સૌથી ઓછો વરસાદ જિલ્લામાં તળાજા, ઘોઘા અને સિહોર તાલુકામાં છે. જ્યારે અન્ય તાલુકામાં એવરેજ 250 મીમી કરતા વધુ વરસાદ રહ્યો છે. ભાવનગર શહેરમાં ત્રણ દિવસના સતત ધીમીધારે આવેલા વરસાદથી ભાવેણુ ભીંજાઈ ગયું છે.
કુલ વરસાદના આંકડા જોઈએ તો આશરે 140 મીમી વરસાદ હજુ સિઝનનો બાકી રહ્યો છે, ઓગસ્ટ માસ ચાલતો હોય અને આગામી દિવસોમાં ઓગસ્ટ માસના અંત સુધીમાં સિઝનનો પૂરો વરસાદ નોંધાય તો જિલ્લામાં જગતના તાતની ખેતીની જરૂરિયાત પૂર્ણ થઈ જાય તેમ છે. જિલ્લામાં ભાવનગર મહુવા તાલુકા સિવાયના અન્ય તાલુકામાં હવે વરસાદની જરૂરિયાત રહી છે. જ્યાં હાલમાં વરસાદ 50 ટકા તો ક્યાંક 80 ટકા વરસાદ નોંધાયેલો છે.