- વિશાળ બાઈક રેલી સાથે જાહેર સભા
- જાહેર સભામાં નામાંકિત મહાનુભવો ઉપસ્થિત
- સભામાં ભાજપ અધ્યક્ષના કોંગ્રેસ પર આકરા પ્રહારો
ભાવનગર: પાલિતાણામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પ્રદેશ અધ્યક્ષના ભવ્ય સ્વાગત અર્થે વિશાળ બાઈક રેલીનું ભવ્ય આયોજન હાથ ધરાયું હતું. જેમાં બહોળી સંખ્યામાં કાર્યકરો તેમજ જનતા સ્વયંભુ જોડાઈ હતી. ત્યારબાદ સભા સ્થળે પ્રદેશ અધ્યક્ષનું જિલ્લા અગ્રણીઓ તેમજ મહાનુભાવોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસ પર કર્યા પ્રહારો
અધ્યક્ષ પાટિલે જનતાનું અભિવાદન કરતા જણાવ્યું કે, મહાનગરપાલિકાની જીત એ લોકોનો ભાજપ પરનો વિશ્વાસ ગણાવ્યો હતો અને આ વિશ્વાસનો નાતો જનતા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાયમી રીતે અંકબંધ રહેશે તેમ જણાવી કોંગ્રેસને આડે હાથે લેતાં જણાવ્યું કે, ભાજપા ચૂંટણી પ્રક્રિયા લોકશાહીને સાથે રાખી તેમાં ભાગ લે છે. ચૂંટણી ફોર્મ રદ કરવા જેવા નિમ્ન કક્ષાના કાર્યો પક્ષમાં કરવાના સંસ્કાર જ નથી. પક્ષ માત્રને માત્ર વિકાસ, અને રાષ્ટ્રભાવના સાથે જોડાઈ લોક સેવાના કાર્યો સાથે આગળ વધી રહ્યો છે અને આ વિશ્વાસને જ જનતાએ પોતાનો ચુકાદો છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં દેખાડી દીધો છે. કોંગ્રેસ અંદરથી સાવે ખોખલી થતી જાય છે.
નવા નીતિ-નિયમોથી નવા યુવા ચહેરાઓને સ્થાન પ્રાપ્ત થવા સાથે-સાથે એક નવો બદલાવ
સી.આર.પાટીલે જણાવ્યું કે, ભાજપએ લોકોને આપેલા વચનો પૂર્ણ કરે છે. પરિવર્તન એ જ સાચો બદલાવ છે. પક્ષમાં નવા નીતિ-નિયમોથી નવા-નવા યુવા ચહેરાઓને સ્થાન પ્રાપ્ત થવા સાથે-સાથે એક નવો બદલાવ સમાજ માટે સાચો અને સારો સાબિત થઈ સામે આવશે. જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખૂટવડા સીટ પર 23 વર્ષની શિક્ષિત મહિલા નેહા કોલીયાકર જે ચૂંટણી લડી રહ્યા છે. તે નજર સમક્ષનો દાખલો છે. કોંગ્રેસે આજ સુધી ખેડુતોની જરા પણ ચિંતા કરી નથી. માત્રને માત્ર પોતાનો રાજકીય હેતુ સાધવા ખેડુતોની ભાવના સાથે ખીલવાડ કરી એક છેલ્લી કક્ષાનુ ગંદુ રાજકારણ ખેલવામાં આવેલું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને સાથે જ રહેશે.