બારડોલી: ગત 7મી સપ્ટેમ્બરના રોજ સુરતના સુર્યપુર સોસાયટીમાં રહેતા દુર્લભભાઈ પટેલે ખંજરોલી ખાતે આવેલી સ્ટોન ક્વોરીની ખાણમાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા બાદ તેમના પુત્ર ધર્મેશે રાંદેર PI લક્ષ્મણ સિંહ બોડાણા, રાજુ લાખા ભરવાડ, હેતલ દેસાઈ, ભાવેશ સવાણી, કનૈયાલાલ નારોલા, કિશોર કોસીયા, વિજય શિંદે, મુકેશ કુલકર્ણી, અજય ભોપાળા, કિરણસિંહ રાઇટર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી પોલીસે ભાવેશ સવાણી અને રાજુ ભરવાડની ધરપકડ કરી હતી. જેના આજે રિમાન્ડ પૂર્ણ થતાં જ્યૂડીશયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
બીજી તરફ જિલ્લા પોલીસે વધુ એક આરોપી પો.કો. વિજય બાપુભાઈ શિંદેની નાસિક ધુલિયા હાઇવે પરથી ધરપકડ કરી હતી. વિજય શિંદેની દસ્તાવેજ બનાવવામાં અને સાટાખત પર બળજબરી સહી કરાવવામાં મુખ્ય ભૂમિકા હતી. હાલ પોલીસે કોવિડ 19 ટેસ્ટ કરવાની તાજવીજ હાથ ધરી છે. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધારો PI લક્ષ્મણસિંહ બોડાણા, કિશોર કોસીયા, કનૈયા લાલ નારોલા સહિતના 7 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દુર છે.
હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરુ રાખ્યો છે.