ભાવનગરઃ શહેરમાં કોરોનાનો આંકડો વધી રહ્યો છે, રોજનું સંક્રમણ ઓછામાં ઓછું 25 લોકોમાં બહાર આવી રહ્યું છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવે છે અને કડક કાર્યવાહી કરીને દંડ પણ વસૂલવામાં આવે છે. છતા શહેરમાં કેસ ઓછા થતા નથી. ત્યારે કડક કાર્યવાહીનો ભોગ હવે હીરા બજાર બનતા રોષ ફેલાયો છે.
ભાવનગર મહાનગરપાલિકાએ હીરા બજાર નિર્મળનગરમાં આવેલ માધવ રત્નની ઓફિસોમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ઓફિસમાં હીરાનું કામ કરનારા લોકોએ માસ્ક નહીં પહેર્યા હોવાથી એક હજાર જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ફટકારતા હીરાના વ્યવસાયકારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો.
હીરાના વ્યવસાયકારોએ એક તરફ મંદી જેવો માહોલ અને કોઈ રોજગારી ના હોઈ ત્યારે ફટકારવામાં આવેલા દંડને પગલે રોષ વ્યકત કરીને હીરા બજારને બંધ કરી દીધી હતી. દરેક હીરાના વ્યવસાયકારો એક બનીને ભાવનગર મહાનગરપાલિકાએ દોડી ગયા હતા.
હીરાના વ્યવસાયકારોએ મહાનગરપાલિકાની કચેરી બહાર ધરણા પર બેસીને માંગ કરી હતી કે, જ્યાં સુધી આ દંડ રદ કરવામાં નહી આવે અને વારંવાર પરેશાન કરવાનું બંધ નહી કરવામાં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે. જો કે મનપાનું તંત્ર હચમચી ગયું હતું, કારણ કે વારંવાર ચેકીંગ કરીને જીકવામાં આવતા દંડથી લોકો આર્થિક અને માનસિક પીડાઈ રહ્યા છે.