- ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે 20 દિવસમાં 90થી વધુનાં મોત
- તંત્ર પાસે કોઈ મોતનો ચોક્કસ આંક નથી
- સ્મશાનમાં જે લાકડાંનો જથ્થો 1 વર્ષ ચાલતો હતો જે માત્ર 20 દિવસોમાં જ ખલાસ
- અહીં ઘરે-ઘરે તાવ, શરદી અને ઉધરસના કેસોમાં થયો જબ્બર ઉછાળો
- નાના એવા ગામમાં મોટી સંખ્યામાં લોકોના મોત થતા શેરી અને મહોલ્લાઓ બન્યા સૂમસામ
ભાવનગર: જિલ્લામાં કોરોનાનો કહેર હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધ્યો છે અને તેની અસર આસપાસના ગામડાઓમાં જોવા મળી રહી છે. ભાવનગરના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે કોરોનાના કહેર વચ્ચે છેલ્લા 20 દિવસમાં 90થી 100 જેટલા લોકોના મોત થયા છે. જો કે સરકારી યાદીમાં અહીંના મોતના આંકડા જોવા મળતા નથી અને સરકાર તેને કો-મોર્બિડમાં ખપાવી રહી છે.
આ પણ વાંચો: ભાવનગરના 20 ટકાથી વધુ લોકો કોરોના સંક્રમિત થતાં 5 ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા
ચોગઠ ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચિત
પ્રાથમિક સુવિધાઓથી વંચિત આ ગ્રામ્ય વિસ્તારોમાં રેપીડ ટેસ્ટ કીટ, દવાઓ, રિપોર્ટ કે ઓક્સિજનની એક પણ સુવિધા હોતી નથી. ત્યારે લોકોમાં 17મી સદીમાં જીવી રહ્યા હોય તેવો અહેસાસ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ચોગઠ ગામનાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ગામના છેલ્લા 20 દિવસમાં લગભગ 90થી 100 લોકોના અંતિમ સંસ્કારો કરવામાં આવ્યા છે અને એક પણ દિવસ આ સ્મશાનની આગ શાંત થઈ નથી. હૃદય કંપાવી નાખે અને હૃદય ધબકારો ચુકી જાય એવી ભયાનક અને કરુણ પરિસ્થિતિના દ્રશ્યો સર્જાય ત્યારે પરિવારજનોને સાંત્વના આપવા કોઈ મળતું નથી.
ચોગઠમાં ઘેર-ઘેર માંદગી અને બીમારીના ખાટલા
ચોગઠ ગામનાં સ્મશાનમાં લાકડાં પણ ખૂટી ગયા જે લાકડાંઓ સ્મશાનમાં એક વર્ષ સુધી ચાલતા હતા તે છેલ્લા 15થી 20 દિવસમાં ખુંટી પડ્યા એટલાં બધા મોતથી આ ગામમાં ફફડાટ અને ડર ફેલાય ગયો છે. સુમસાન શેરીઓમાં સાક્ષાત્ યમરાજ આંટાફેરા મારી રહ્યા હોય તેવો આભાસ થઈ રહ્યો છે. ચોગઠમાં ઘેર-ઘેર માંદગી અને બીમારીના ખાટલાથી લોકોમાં ખૂબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત જિલ્લાની 667 સ્કૂલોમાં આઇસોલેશનની સુવિધા ઉભી કરાશે
શું કહી રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી
ચોગઠ ગામમાં કોરોનાનો કહેર છે, તેમ છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદો કોઈ પણ ગામમાં ડોકાયા નથી. મોતનાં આ તાંડવમાં વધારે માનવ જીંદગીઓ હોમાય નહીં. અકાળે કોઈની જીવન વેલડી મુરજાઈ નહિ એ માટે તાત્કાલિક પગલાં લઈને સારવાર માટે સુવિધાઓ ઉભી થાય એ માટે તીવ્ર માંગ ઉઠી છે. કદાચ સમગ્ર ગુજરાતમાં ગ્રામ્ય કક્ષાએ આ મોતનો આંકડો સૌથી વધારે છે અને કૂદકે-ભૂસકે વધી રહ્યો છે. દરરોજ 7-8 મોત થઈ ગામમાં મરશિયાનું આક્રંદ છેલ્લા 25 દિવસથી શાંત થયું નથી.
મોત કોરોનાથી જ થયા છે કે કેમ તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી
કોરોનાનાં ભયનાં ઓથાર નીચે ગ્રામલોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. જિલ્લા વિકાસ અધિકારી આટલી સ્થિતિ વચ્ચે લોકો આરોગ્યની ટીમને સાથ નથી આપતા તેમ જણાવી અને અહીં કામ કરતા હોવાનો દાવો કર્યો છે. જો કે તેમને આ મોત કોરોનાથી જ થયા છે કે કેમ તે અંગે કોઈ ફોડ પાડ્યો નથી.