ભાવનગર: શું ઘરઆંગણે ઓર્ગેનિક ખેતી થઈ શકે? જવાબ છે હા. ભાવનગરમાં ઘણા એવા પરિવારો છે જે ઘરના બંગલાના ગાર્ડનમાં ફુલછોડ ઉપરાંત શાકભાજીનું વાવેતર કરી એક અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કરી રહ્યા છે. ઘરે બેઠા તાજા શાકભાજી ઉગાડી આ ગૃહિણીઓ કોરોના મહામારીના સંક્રમણથી પોતે તેમજ પોતાના પરિવારને પણ બચાવી રહી છે. આ કાર્યમાં હવે સરકારની પણ સહાય મળતા બિયારણ લાવવાથી માંડીને ઉત્પાદન મેળવવા સુધીની તમામ પ્રવૃત્તિઓ સરળ બની છે.

કિચન ગાર્ડનને કારણે વારંવાર બજારમાં જઇને શાક ખરીદવા જવાની ઝંઝટ રહેતી નથી. દવા તેમજ રાસાયણિક ખાતર નાખેલા તેમજ મોંઘા ભાવના શાકભાજી લેવા કરતા નજીવી મહેનતમાં ઘરબેઠા ઉગાડેલા આરોગ્યપ્રદ શાકભાજી આર્થિક રીતે પણ વધુ ફાયદાકારક છે. ભાવનગરના મોટાભાગના ઘરોમાં રીંગણાં, દૂધી, મરચા, કારેલા, તુરિયા જેવા લીલા શાકભાજીનું વાવેતર થઈ રહ્યું છે.

ઘરના આંગણામાં શાકભાજી ઉગાડવામાં વધુ મહેનત રહેતી નથી. ઘરમાં થોડીઘણી જગ્યામાં અને કુંડામાં પણ શાકભાજીનું વાવેતર થઇ શકે છે. ગાર્ડનમાં બિયારણ નાખ્યા પછી છોડ ઉછરે એટલે તેને અઠવાડિયે ગોડ કરીને એટલે કે છોડની ચારેય બાજુ થોડું ખોદવામાં આવે અને પછી ખાતર નાખવામાં આવે તો છોડ જલ્દી ઉછરે છે. આ દ્વારા ભાવનગરની ગૃહિણીઓ અન્ય મહિલાઓને પણ અપીલ કરી રહી છે કે, તેઓ પણ શાકભાજીનો ઉછેર ઘરમાં કરે. જો કે, આ શાકભાજીના વાવેતર વખતે પણ અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. છોડને નિયમિત ખાતર અને દર બે દિવસે પાણી આપતા રહેવું જોઈએ.

ભાવનગર બાગાયત વિભાગ દ્વારા ઘરમાં શાકભાજી ઉછેરનાર લોકો માટે 5 રૂપિયામાં બિયારણની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓર્ગેનિક ખેતી ઘરે ઘરે યોજાય તેવા હેતુથી લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. જે આવકારદાયક બાબત છે.
ભાવનગરથી ચિરાગ ત્રિવેદીનો વિશેષ અહેવાલ