- 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન
- 10 વ્યક્તિઓની સમિતી બનાવી ટ્રેસિંગ-ટ્રેકિંગ-ટ્રિટમેન્ટની વ્યવસ્થા
- જિલ્લાની 667 સ્કૂલોમાં શરૂ થશે આઇસોલેશન વોર્ડ
- સ્કૂલોમાં 8200 બેડોની વ્યવસ્થા ઉભી કરાશે
ભાવનગરઃ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' રાજ્યવ્યાપી અભિયાન હેઠળ વિવિધ ગામોના સરપંચ સાથે સંવાદ કર્યો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ જોડાયા હતા.
આ પણ વાંચોઃ ભાજપના મારુ ગામ કોરોના મુક્ત અભિયાન કાર્યક્રમમાં 100થી વધુ કાર્યકરો એકત્રિત થયા
667 સ્કૂલોમાં આઇસોલેશનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે
કોરોના સામેની લડતમાં મહાનગરોની સાથે નાના ગામડાઓમાં રહેતા નાગરિક જાગૃત થાય અને સાવચેતીના પગલા અનુસરે તેવા ઉદ્દેશથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં 'મારુ ગામ કોરોના મુકત ગામ’ અભિયાનને ગ્રામીણ જનશક્તિના સહયોગ અને જનભાગીદારીથી પાર પાડવા અભિયાન અંતર્ગત 667 સ્કૂલોમાં આઇસોલેશનની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
જિલ્લા વિકાસ અધિકારીએ આપી માહિતી
જિલ્લા વિકાસ અધિકારી વરુણ બર્નવાલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં 667 ગ્રામ પંચાયતો આવેલી છે. આ દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી એક-એક સ્કૂલમાં આઈસોલેશનની વ્યવસ્થા ઉભી કરાશે. આ ઉપરાંત આંગણવાડી, સમાજવાડીમાં પણ જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં કોરોના કેર સેન્ટર શરૂ કરાશે. જિલ્લાની આ દરેક શાળાઓમાં ટોયલેટ, પાણીની જરૂરી વ્યવસ્થા છે. એ રીતે જિલ્લામાં કુલ 8200 બેડની વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે.
આ પણ વાંચોઃ રાજકોટ મનપાએ શરૂ કરી નિ:શુલ્ક હોમ આઇસોલેશનની સુવિધા
દરેક ગામમાં 10 વ્યક્તિઓની સમિતી બનાવવામાં આવશે
દરેક ગામમાં 10 વ્યક્તિઓની સમિતી બનાવી ટ્રેસિંગ-ટ્રેકિંગ-ટ્રિટમેન્ટની વ્યવસ્થા, ગ્રામજનોનું સર્વેલન્સ, ગામ સેનિટાઇઝ જેવા સઘન ઉપાયો અપનાવી કોરોના સંક્રમણને ઓછું કરવું છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના આગેવાનોના સહકારથી આગામી દિવસોમાં જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે. આ અભિયાનને સાકાર કરવા માટે રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા સમાજ સહયોગથી ઉભી કરવાની છે. આઇસોલેશન સેન્ટર્સ,કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાર્ન્ડડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન કર્યુ હતું.