- રાજપરા ખોડીયાર શક્તિપીઠ રાજવી પરિવારે કરી હતી સ્થાપિત
- મંદિરની પૌરાણિક કથા પ્રચલિત છે
- 10 ફૂટ દૂર રહી માસ્ક સાથે કર્યા ભક્તોએ દર્શન
ભાવનગર: નવરાત્રિ પર્વના પ્રારંભ સાથે જ આદ્યશક્તિ મા જગદંબાના દર્શન માટે રાજપરામાં આવેલી ખોડીયાર શક્તિપીઠમાં અનેક ભક્તો ઉમટી પડ્યા હતા. આ શક્તિપીઠમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ચુસ્ત પાલન સાથે નવ દિવસ ભક્તો માતાજીની પૂજા આરાધના કરશે ત્યારે ઈટીવી ભારતની ટીમે પણ મંદિરના પૂજારી, વેપારીઓ અને ટ્રસ્ટીઓ સાથે ખાસ વાતચીત કરી મંદિરનો મહિમા અને હાલની સ્થિતિ અંગે ખાસ જાણકારી મેળવી હતી.
![ભાવનગરની પ્રખ્યાત રાજપરામાં આવેલી ખોડીયાર શક્તિપીઠમાં ઉમટ્યા ભક્તો, જુઓ વિશેષ અહેવાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bvn-story-01-rajpara-khodiyar-ma-special-gj10030_17102020152420_1710f_1602928460_1064.jpg)
વહેલી સવારથી આરતીનું આયોજન
ભાવનગરથી 16 કિમી દૂર અને રાજવી પરિવાર સ્થાપિત રાજપરા ખાતે આવેલા ખોડીયાર મંદિરમાં કોરોના અંગેની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે નવરાત્રિ પર્વ નિમિત્તે ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારની મહાઆરતીનું અનેરું મહત્વ હોઈ પૂજારીએ માસ્ક અને ગ્લ્વ્ઝ પહેરી આરતી કરી હતી, જ્યારે ભક્તોને આ સમયે મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
![ભાવનગરની પ્રખ્યાત રાજપરામાં આવેલી ખોડીયાર શક્તિપીઠમાં ઉમટ્યા ભક્તો, જુઓ વિશેષ અહેવાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bvn-story-01-rajpara-khodiyar-ma-special-gj10030_17102020152420_1710f_1602928460_652.jpg)
કોરોના ગાઇડલાઇન્સનું થઇ રહ્યું છે ચુસ્ત પાલન
આ વખતે સંઘમાં ફક્ત 10 લોકોને જ પ્રવેશની છૂટ આપવામાં આવી છે. મંદિરમાં પ્રવેશ સમયે સેનેટાઇઝેશન ટનલ, ટેમ્પરેચર ગન, સેનેટાઈઝરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામને આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ દર્શન માટે જવા દેવામાં આવે છે. ભક્તોને માતાજીને હાર કે ફૂલ ચડાવવાની સીધી અનુમતિ નથી. જેથી બાજુના ટેબલમાં ત્યાં તમામ ફૂલહાર એકત્રિત કરી અને સેનેટાઈઝ કર્યા બાદ પૂજારી દ્વારા માતાજીને ચડાવવામાં આવે છે. આવતા જતા તમામ લોકોની સુરક્ષા માટે પોલીસ અને ખાનગી સિક્યોરીટી રાખવામાં આવી છે તેમજ આરોગ્ય સેવા માટે પણ પૂરતી ગોઠવણ કરવામાં આવી છે.
![ભાવનગરની પ્રખ્યાત રાજપરામાં આવેલી ખોડીયાર શક્તિપીઠમાં ઉમટ્યા ભક્તો, જુઓ વિશેષ અહેવાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bvn-story-01-rajpara-khodiyar-ma-special-gj10030_17102020152420_1710f_1602928460_1089.jpg)
મંદિરનું પૌરાણિક મહત્વ
લોકવાયકા મુજબ ભાવનગરના રાજવી પરિવારે પ્રજાની રક્ષા માટે મા ખોડીયારનું આવાહન કરતા મા ખોડીયારે તેમને દર્શન આપ્યા હતા અને શરત મૂકી હતી કે, જો રાજા પાછુ વળીને જોશે તો તેઓ જે-તે જગ્યા પર જ સ્થાપિત થઇ જશે. ભાવનગર આવતા સમયે રાજપરા નજીક રાજાએ અચાનક પાછુ ફરીને જોતા મા ખોડીયાર ત્યાં જ સ્થાપિત થઇ ગયા હતા. અનેક લોકોની આસ્થાનું પ્રતિક એવા રાજપરાના ખોડીયાર માતાજી ત્યારથી જ ભાવનગરની પ્રજાનું રક્ષણ કરી રહી છે અને સમયાંતરે ખ્યાતિપ્રાપ્ત આ મંદિરે લોકો દૂર દૂરથી દર્શન માટે આવતા હોય છે. જો કે આ વર્ષે આ સંખ્યા માત્ર 5 ટકા જોવા મળી રહી છે.
ભાવનગરથી ભૌમિક સિદ્ધપુરાનો વિશેષ અહેવાલ