- ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષે અચાનક લીધી ભાવનગરની મુલાકાત
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અણધારિયા આગમનથી કાર્યકરો પણ અજાણ
- સી. આર. પાટીલે ખોડીયાર મંદિર ખાતે વૃક્ષારોપણ કર્યું
- સી. આર. પાટીલના ભાવનગરના સતત બીજા પ્રવાસને કારણે ભાજપ કાર્યકર્તાઓમાં અનેક તર્ક વિતર્ક
ભાવનગર : ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સોમવારના રોજ અચાનક ભાવનગરની મુલાકાત લીધી હતી. સી. આર. પાટીલે સહપરિવાર તેમજ મિત્રો સાથે રાજપરા ખોડીયાર મંદિરે દર્શને પહોચતા પ્રદેશ અધ્યક્ષના અણધારિયા આગમનથી કાર્યકરો પણ અંધારામાં રહેતા અનેક તર્ક વિતર્ક સાથે ચર્ચાએ જોર પકડ્યું હતું.
રાજપરા ખોડીયાર માતાના દર્શનાર્થે પહોંચ્યા ભાજપ પ્રદેશ અધ્યક્ષ
ભાવનગર જિલ્લાના પ્રવાસે સોમવારના રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સવારે 9 કલાકે એરપોર્ટ પર પ્રાઇવેટ ચાર્ટર પ્લેન મારફતે રાજપરા ખોડિયાર મંદિરના દર્શનાર્થે પરિવાર તેમજ મિત્રો સાથે પહોચ્યા હતા. સી.આર.પાટીલનાં અણધાર્યા પ્રવાસને કારણે ભાવનગર શહેર ભાજપ તેમજ કાર્યકરો અજાણ રહ્યા હતા. સવારે 10 કલાકે માર્ગ પ્રવાસ કરી સી. આર. પાટીલ તેમજ મિત્રોએ રાજપરામાં ખોડીયાર માતાના દર્શન કર્યા હતા. જે બાદ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં એક પીપળનું વૃક્ષ વાવી લોકોને વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.
ભાજપ કાર્યકરોમાં અનેક તર્ક વિતર્ક સાથેની ચર્ચાએ જોર પકડ્યું
આ સમયે ભાજપ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા તેમજ ભાવનગર શહેર ભાજપ વતી પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત સન્માન કર્યું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષના ભાવનગર જિલ્લાના અણધાર્યા પ્રવાસથી ભાજપ કાર્યકરોમાં અનેક તર્ક વિતર્ક સાથેની ચર્ચાએ જોર પકડ્યું છે.